CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલામાં ગૌરક્ષકો અને પોલીસનું સંયુક્ત ઓપરેશન: કતલખાને ધકેલાતા 11 અબોલ પશુઓને બચાવાયા

તા.13/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પંથકમાં ગૌરક્ષકો અને પોલીસની સતર્કતાના કારણે ૧૧ જેટલા અબોલ પશુઓનો બચાવ થયો છે. રાજકોટ- અમદાવાદ હાઈવે પરથી પસાર થતી આઈસર ગાડીને આંતરીને તેમાં ક્રૂરતાપૂર્વક ભરેલી ભેંસ અને પાડાને મુક્ત કરાવી સુરક્ષિત રીતે પાંજરાપોળ ખાતે પહોંચાડવામાં આવ્યા છે. આ જીવદયાના કાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. મળતી વિગતો અનુસાર રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક આઈસર ગાડી GJ-27-TG-5043 માં કાળી તાડપત્રી ઢાંકીને પશુઓને કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાની ચોક્કસ બાતમી ગૌરક્ષકોને મળી હતી. બાતમીના આધારે ગૌરક્ષકો અને ચોટીલા પોલીસની ટીમે હોટેલ ઓનેસ્ટ નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ વાહનને રોકાવ્યું હતું.
વાહનની તલાશી લેતાં તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી ૯ ભેંસ અને ૨ પાડા મળી કુલ ૧૧ પશુઓ મળી આવ્યા હતા. આ કામગીરીમાં 112 PCR વાન અને પોલીસ સ્ટાફે ગૌરક્ષકો સાથે રહીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. રાત્રિ દરમિયાન જ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી તમામ ૧૧ અબોલ પશુઓને સુરક્ષિત રીતે ચોટીલા મહાજન પાંજરાપોળ ખાતે આશ્રય અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આ સફળ ઓપરેશનમાં ગૌરક્ષક સેવકો અને બાતમીદાર હરેશભાઈ ચૌહાણ, ભીખુભાઈ ખાચર, વિજયભાઈ મેણીયા, રઘુભાઈ દરજીયા, અમિતભાઈ મકવાણા, બુધાભાઈ વાઘેલા, અનિલભાઈ વિનુભાઈ બોરાણા તથા ભરતભાઈ વાઘેલા સહિતના કાર્યકરો જોડાયા હતા સમયસરની સતર્કતા દાખવી અબોલ જીવોનો જીવ બચાવવા બદલ સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓ દ્વારા પોલીસ અને ગૌરક્ષકોની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!