
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૩ ઓગસ્ટ : ભુજની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે આજે તારીખ ૧૩-૦૮-૨૦૨૬ ના રોજ વિદ્યાર્થીઓમાં સુરક્ષા, સશક્તિકરણ અને કાનૂની જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે એક વિશેષ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ઇલેક્ટ્રિકલ ઈન્સ્પેકટર ઓફિસ, ભુજ ના સીની.કલાકૅ શ્રી એમ.આઈ. બાયડના વિશેષ સહકાર અને ગુજરાત પોલીસની ‘SHE-ટીમ’ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ‘SHE-ટીમ’ના ઇન્ચાર્જ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરશ્રી શીતલબેન પી. નાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ કુ. જ્યોત્સનાબેન સાંખલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એ.એસ.આઈ. શીતલબેન દ્વારા વિદ્યાર્થીઓને કિશોરાવસ્થામાં થતા સામાન્ય ગુનાઓ, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની કાનૂની જોગવાઈઓ, સાયબર ક્રાઈમ અને સાયબર સેફ્ટી (Cyber Crime & Cyber Safety) અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે ટ્રાફિકના નિયમો, માદક પદાર્થોના સેવનથી થતા નુકસાન, સ્કૂલ બુલિંગ (School Bullying), સ્વ-સુરક્ષા (Self-Protection) અને કટોકટીના સમયમાં ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનો સંપર્ક કેવી રીતે કરવો તે જેવા અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર વિદ્યાર્થીઓને વિસ્તૃત અને મનનીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.શાળાના પ્રિન્સિપાલ એન.કે. સીજુબેનના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેમિનારના દ્વિતીય ચરણમાં ‘SHE-ટીમ’ના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી (Q&A Session) યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની મૂંઝવણો રજૂ કરી હતી અને પોલીસ અધિકારીઓએ તેના સરળ જવાબો આપી કાયદાકીય સમજ સ્પષ્ટ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન શાળાના શિક્ષિકા ખુશ્બુબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે એસ.બી. રહેવર દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ શૈક્ષણિક અને સામાજિક જાગૃતિના કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારના સભ્યો એન.આઈ. બારમેડા, મીનાક્ષીબા રાઠોડ, ડો. વી.એચ. જાડેજા, જયાબેન દવે, ફૈઝલભાઈ પઠાણ અને ચિરાગભાઈ સણોદરીયાએ નોંધપાત્ર જહેમત ઉઠાવી પ્રશંસનીય યોગદાન આપ્યું હતું.





