
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર ,તા-૧૪ ઓગસ્ટ : સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજારના વરસામેડી ખાતે તાલુકાકક્ષાની તિરંગા યાત્રાને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વંદે માતરમ્ સહિત દેશભક્તિના નારાઓ અને ગીતોથી વરસામેડી ગામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, અનેક લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું ત્યારે આપણને આ મહામૂલી આઝાદી મળી છે. આવનારી પેઢીઓ દેશની આઝાદી માટે ઝઝુમેલા નામી-અનામી સપૂતોથી અવગત થાય એ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન ની પ્રેરણાથી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી થઈને ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા રાજ્ય મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ૧૫ ઓગસ્ટની ઉજવણીની પૂર્વ સંધ્યાએ આ ઉજવણીથી સમગ્ર રાજ્યમાં દેશભક્તિમય માહોલ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી હર ઘર તિરંગા યાત્રા સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહી છે. તિરંગો એ આપણી આપ બાન અને શાન છે તેમ જણાવીને સાંસદશ્રીએ ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, હિતેશભાઈ ખંડોર, મિતરાજ સિંહ જાડેજા, રૂપાભાઈ રબારી, કેશાભાઈ રબારી, સંદિપભાઈ ચાવડા, અંજાર મામલતદાર ભગવતીબેન ચાવડા, તાલુકા વિકાસ અધિકારી ભાવેશ પટેલ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આ યાત્રામાં ગ્રામજનોની સાથે આરોગ્ય શાખા, આંગણવાડી, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા આ હતા.























