હાંસોટની પ્રાથમિક શાળા સાહોલ દ્વારા ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ:




સમીર પટેલ, ભરૂચ
દેશભરમાં ચાલી રહેલા રાષ્ટ્રપ્રેમના ઉત્સવ અંતર્ગત હાંસોટ તાલુકાની સાહોલ પ્રાથમિક શાળામાં એક ભવ્ય અને પ્રેરણાદાયી ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના કુશળ માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં વાતાવરણ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.બાળકોમાં નાનપણથી જ રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિની ભાવના દ્રઢ થાય તેવા ઉમદા હેતુથી યોજાયેલી આ તિરંગા યાત્રામાં શાળાના નાના-મોટા વિદ્યાર્થીઓ હાથમાં ત્રિરંગો લઈને ગર્વભેર જોડાયા હતા. દેશભક્તિના ગીતો અને “ભારત માતા કી જય” તથા “વંદે માતરમ્” ના ગગનભેદી નારાઓ સાથે જ્યારે આ યાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, ત્યારે સમગ્ર સાહોલ ગામ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.
આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ, એસ.એમ.સી. (SMC) સમિતિના અધ્યક્ષ તેમજ એસ.એમ.સી.ના તમામ સભ્યો, ગામના તલાટી અને આંગણવાડીના કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત શાળાના તમામ શિક્ષકગણ હાજર રહીને આ આયોજનને સફળ બનાવ્યું હતું.કાર્યક્રમના અંતે આચાર્ય નિલેશભાઈ સોલંકીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, વાલીઓ, આંગણવાડી સ્ટાફનો આ સુંદર સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓને દેશના જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા આપી હતી.




