નગરપાલિકાના પાણીના સંપમાં પુનઃ પશુના હાડકાંથી કાલોલમાં ખળભળાટ: ચીફ ઓફિસરે નોંધાવી પોલીસ ફરીયાદ, સાંસદે વ્યક્ત કરી નારાજગી..

તારીખ ૧૪/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં પીવાના પાણીના સંપમાં પશુના હાડકાં મળી આવવાની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર પંચમહાલ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. આ મામલે કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયકુમાર સુરેશભાઈ પટેલે કાલોલ પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે.કાલોલ દીવાનની વાડી ખાતે આવેલા પાણીના સંપમાં અજાણ્યા ઇસમ દ્વારા પીવાના પાણીને દૂષિત કરવાના ઇરાદે પશુના હાડકાં નાખવામાં આવ્યા હોવાનું માલૂમ પડ્યું હતું.
તારીખ અને સમય ગુનો ૧૩/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૩૦ વાગ્યાની આસપાસ બન્યો હોવાનું જણાવ્યું છે.કાલોલ પોલીસ મથકે B.N.S.S. ની કલમ ૨૭૯ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાણીનો સંપ તાજેતરમાં સાફ કરવામાં આવ્યો હોવા છતાં, પુનઃ આ હાડકાં સંપમાં કેવી રીતે આવ્યા તે ગંભીર તપાસનો વિષય બન્યો છે. કે પછી એન્જસી દ્વારા સંપ ની પુરે પુરી સફાઈ કરવામાં આવી નથી? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.પાલિકા દ્વારા સુરક્ષાના ભાગરૂપે પાણીની ટાંકી અને સંપ પાસે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી આવી અસામાજિક પ્રવૃત્તિ અટકી શકે તે અનિવાર્ય છે. જોકે, સ્વયં નગરપાલિકા કચેરી સંકુલમાં સીસીટીવી કેમેરા ન હોવાની બાબત પણ ચર્ચાનો વિષય બની છે.આ પ્રકરણમાં કોઈ અજાણ્યા ઈસમે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો હોવાથી પોલીસ તપાસમાં કઈ હકીકત અને આરોપીઓ બહાર આવે છે તેના પર સમગ્ર કાલોલ નગરજનોની નજર ટકેલી છે. બીજી તરફ તિરંગા યાત્રા ના સમાપન બાદ સાંસદ રાજપાલસિંહ જાદવે પોલીસ સ્ટેશનની મુલાકાત કરી પીઆઇ તેમજ કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઇ મકવાણા તેમજ મામલતદાર વિકાસ પટેલ ની હાજરીમાં ચીફ ઓફિસર સંજય પટેલ ને બોલાવી પાણી ની ટાંકી ના સંપ માંથી હાડકા મળી આવવાની બાબતે જે કોઈ જવાબદાર હોય તેની સામે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર સખ્ત કાર્યવાહી કરવાની અને નગરજનો ની આસ્થા સાથે ખેલનાર જે પણ હોય તેની સામે નક્કર કાર્યવાહી કરવાની તેમજ નગરજનો ના હિતમાં કામ કરવાની સૂચના આપી હતી.







