GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના દેલોલ ખાતે બેંક ઓફ બરોડામાં રૂ. ૧,૬૦,૦૦૦ની તસ્કરી: નજર ચૂકવી કાપડની થેલી કાપી અજાણ્યો શખ્સ ફરાર.

તારીખ ૧૪/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના દેલોલ ગામમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેંકમાં રૂપિયા જમા કરાવવા લાઈનમાં ઊભેલા ગ્રાહકની નજર ચૂકવી અજાણ્યા તસ્કરે ધારદાર હથિયાર વડે કાપડની થેલી કાપી રૂ. ૧,૬૦,૦૦૦ની રોકડ રકમ ચોરી લીધી હતી.

મળતી વિગતો અનુસાર, કાલોલ તાલુકાના માનાવાળુ ફળિયુ, ઝાખરીપુરા (દેલોલ) ખાતે રહેતા અને ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય કરતા જયદીપસિંહ બળવંતસિંહ રાઠોડ (ઉ.વ. ૩૮) તારીખ ૩૦/૦૭/૨૦૨૬ના રોજ સવારના આશરે ૧૧:૧૫ વાગ્યાના સુમારે પોતાની બાજરીના પાકના અને દૂધના પગારના રૂ. ૧,૬૦,૦૦૦ બેંકમાં જમા કરાવવા માટે દેવલોલ સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં ગયા હતા.તેમણે રૂ. ૫૦૦ના દરની ૩૨૦ નોટો કુલ રૂ. ૧,૬૦,૦૦૦ એક કાપડની થેલીમાં મૂકી બેંકમાં પૈસા જમા કરાવવા માટે સ્લીપ ભરીને કેશ કાઉન્ટર સામે લાઈનમાં ઉભા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેમની નજર ચૂકવી ધારદાર હથિયાર વડે કાપડની થેલી એક બાજુથી કાપી નાખી અંદર રાખેલી રૂ. ૧,૬૦,૦૦૦ની તમામ રોકડ રકમ સેરવી લીધી હતી.ચોરી થયાની જાણ થતાં જ જયદીપસિંહે બેંકમાં તથા આજુબાજુ તપાસ કરી હતી પરંતુ કંઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ પરિવારના સભ્યોને જાણ કરી બેંક પરિસરમાં શોધખોળ હાથ ધરી હતી.જોકે બેંકના સીસીટીવી કેમેરામાં નાનકડો બાળક તેઓની નજીક આવતો જોવા મળ્યો હતો અને આ ફૂટેજ પણ ભારે વાયરલ થયા હતા.આ અંગે ૧૩/૦૮/૨૦૨૬ના રોજ કાલોલ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. કાલોલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.) ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!