MORBI:મોરબી રેલ્વે સ્ટેશન રોડ સ્થિત ૧૨૫ વર્ષ જૂના શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

MORBI:મોરબી રેલ્વે સ્ટેશન રોડ સ્થિત ૧૨૫ વર્ષ જૂના શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
મોરબી શહેરના હૃદયસમા રેલ્વે સ્ટેશન રોડ પર સ્થિત અને લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર એવું અતિ પૌરાણિક શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. અંદાજે ૧૨૫ વર્ષથી પણ વધુ જૂનો ઇતિહાસ ધરાવતા આ ઐતિહાસિક મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો, સમય અંતરાલે આ મંદિરનો જીર્ણોદ્ધાર થતો રહ્યો છે. જે-તે સમયે મોરબીના તત્કાલીન રાજવી શ્રી લગધીરજી બાપુએ આ પૌરાણિક મંદિરના જીર્ણોદ્ધાર અને સેવા-પૂજામાં ખૂબ જ ઊંડો રસ દાખવ્યો હતો.
ભારત આઝાદ થયા બાદ, સરકારના નિયમોનુસાર જાહેર મિલકતોને ચેરિટી કમિશનર હેઠળ નોંધાવવાની પ્રક્રિયા અંતર્ગત વર્ષ ૧૯૬૨માં તે સમયના સ્થાનિક અગ્રણીઓ અને સેવાભાવી કાર્યકરોએ સાથે મળીને આ ટ્રસ્ટની વિધિવત રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ત્યારથી લઈને આજદિન સુધી ટ્રસ્ટ દ્વારા મંદિરની વ્યવસ્થા અને જીર્ણોદ્ધારના કાર્યો ઉત્તરોત્તર સતત થતા રહ્યા છે.
ધર્મપ્રેમી જનતાને દર્શન અને કાર્યક્રમમાં પધારવા હાર્દિક નિમંત્રણ હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરે દર્શનાર્થીઓ માટે વિશેષ પૂજા-અર્ચના, મહાઆરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પૌરાણિક મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવવા અને શ્રાવણ માસના ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હાજર રહી પુણ્યનું ભાથું બાંધવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










