ગુજરાતમાં ગૌહત્યા સામે કડક કાર્યવાહીની માંગ, ગાયને “રાષ્ટ્રીય પશુ” જાહેર કરવા આદિવાસી સમાજની રજૂઆત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાઓ, ગૌહત્યા તથા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ ગાયને “રાષ્ટ્રીય પશુ” જાહેર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ સત્તાવાર ભલામણ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે.
સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવભાઈ પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ માટે ગાય, બળદ સહિતનું ગૌવંશ માત્ર પશુધન નથી, પરંતુ પરિવાર અને સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. “આદિવાસી સમાજ ગૌવંશને માત્ર પ્રાણી તરીકે નહીં પરંતુ પરિવારના સભ્યો તરીકે રાખે છે, એટલે જ તેમના મૃત્યુ સમયે પણ શોક પાળે છે,” તેમ તેમણે જણાવ્યું હતું. ગૌવંશ સાથે આદિવાસી સમાજનો પેઢીઓ જૂનો સંબંધ આદિવાસી સમાજનું જીવન પ્રકૃતિ, ખેતી, પશુ-પક્ષીઓ અને પર્યાવરણ સાથે પ્રાચીન સમયથી જોડાયેલું રહ્યું છે. વાઘબારસ જેવા પરંપરાગત પર્વોમાં ગાય-બળદનાં શિંગડાં રંગીને શણગારવામાં આવે છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. પશુધન પ્રત્યેનો આ સંબંધ માત્ર આર્થિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને ભાવનાત્મક હોવાનું સમાજના આગેવાનોનું કહેવું છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ તથા તાપી જિલ્લાના અનેક ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં બળદ સાથે જોડાયેલી પરંપરાઓ આજે પણ જીવંત છે. પોળા (બૈલ પોળા)ના પર્વ દરમિયાન ખેડૂતો પોતાના બળદોને નવડાવી, શિંગડાં રંગીને શણગારે છે અને તેમની પૂજા કરે છે. કેટલાક વિસ્તારોમાં બળદોની દોડ સહિતના પરંપરાગત કાર્યક્રમો પણ યોજાય છે.ગેરકાયદેસર કતલખાનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની માંગ આદિવાસી સમાજે સરકાર સમક્ષ રાજ્યમાં ચાલતા તમામ કતલખાનાઓની લાઇસન્સ, પર્યાવરણ મંજૂરી, પશુ કલ્યાણના નિયમો તથા અન્ય જરૂરી પરવાનગીઓની તપાસ માટે વિશેષ અભિયાન હાથ ધરવાની માંગ કરી છે.ગેરકાયદેસર કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ગૌહત્યા અને પશુઓની ગેરકાયદેસર હેરાફેરી સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારોમાં વિશેષ ‘ગૌસેવા અભિયાન’ની માંગ સમાજ દ્વારા આદિવાસી વિસ્તારોમાં ગૌસેવા, પશુ આરોગ્ય, રસીકરણ, ચારા અને ગૌશાળાની સુવિધાઓ માટે વિશેષ ‘આદિવાસી ગૌસેવા અભિયાન’ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ વાઘબારસ સહિતના પરંપરાગત પર્વોમાં થતી પશુપૂજા પરંપરાનું દસ્તાવેજીકરણ અને સંરક્ષણ કરવા પણ સરકારને અપીલ કરવામાં આવી છે. શાળાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પશુપ્રેમ, પ્રાણી કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ તથા આદિવાસી પરંપરાગત જ્ઞાન અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા અને ગ્રામસભાઓ તથા આદિવાસી આગેવાનો સાથે પરામર્શ કરીને વિશેષ રાજ્યસ્તરીય નીતિ બનાવવાની માંગ પણ રજૂઆતમાં કરવામાં આવી છે.ડો. નિરવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “આ રજૂઆત કોઈ એક સમાજની લાગણી પૂરતી મર્યાદિત નથી. પશુપ્રેમ, પ્રકૃતિ સંરક્ષણ, આદિવાસી સાંસ્કૃતિક વારસો અને અહિંસાની ભાવનાને મજબૂત બનાવવાની દિશામાં આ એક સામાજિક અને સાંસ્કૃતિક પહેલ છે.”
આદિવાસી સમાજની આ રજૂઆત બાદ હવે રાજ્ય સરકાર ગૌવંશ સંરક્ષણ, ગેરકાયદેસર કતલખાનાઓ સામેની કાર્યવાહી અને આદિવાસી પરંપરાઓના સંરક્ષણ અંગે શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.




