
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છના અંતરિયાળ સીમાંત વિસ્તારોમાં કન્યા કેળવણીનો નવો અરૂણોદય: અદાણી ફાઉન્ડેશનના ‘પ્રોજેક્ટ ઉત્થાન’થી દીકરીઓએ શિક્ષણ ક્ષેત્રે રચી ક્રાંત
હરિયાળી ઊર્જાના મથક ખાવડા અને બન્ની વિસ્તારમાં ઊર્જા ઉત્પાદન સાથે સામાજિક-શૈક્ષણિક પરિવર્તનનો નવો વાયરો: બોર્ડ પરીક્ષામાં દીકરીઓનો ડંકો
ભુજ / ખાવડા (કચ્છ), તા.૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ :
વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક તરીકે વૈશ્વિક ફલક પર ઊભરી રહેલા કચ્છના ખાવડા અને બન્ની જેવા અતિ અંતરિયાળ વિસ્તારોમાં હવે માત્ર હરિયાળી ઊર્જાનું જ સર્જન નથી થઈ રહ્યું, પરંતુ કન્યા કેળવણીના માધ્યમથી સામાજિક ક્રાંતિના નવા બીજ પણ રોપાઈ રહ્યા છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ અને સરહદી ક્ષેત્રોમાં કન્યા શિક્ષણને વેગ આપવાના ઉમદા આશયથી કાર્યરત ‘પ્રોજેક્ટ ઉત્થાન’ અંતર્ગત લેવાયેલા સમયબદ્ધ અને અસરકારક પગલાંના પરિણામે આ દુર્ગમ વિસ્તારની દીકરીઓ શૈક્ષણિક ક્ષેત્રે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી રહી છે.
સ્થાનિક પરિસ્થિતિ અને સામાજિક સંકોચને ધ્યાનમાં રાખીને અદાણી ફાઉન્ડેશને આ પ્રોજેક્ટમાં ગામના જ શિક્ષિત યુવાનોને ‘ઉત્થાન સહાયક’ તરીકે સાંકળ્યા છે. ખાસ કરીને તાલીમબદ્ધ મહિલા સહાયિકાઓએ ઘરે-ઘરે જઈ વાલીઓ સાથે સતત સંવાદ સાધીને દીકરીઓના શિક્ષણ સામે રહેલા સદીઓ જૂના સામાજિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક અવરોધોને સફળતાપૂર્વક દૂર કર્યા છે. સ્થાનિક યુવાનોની આ ભાગીદારીને કારણે વાલીઓમાં શિક્ષણ પ્રત્યે એક અભૂતપૂર્વ વિશ્વાસ અને સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવાયો છે.
ઘરકામ, પશુપાલન કે અન્યોન્ય સામાજિક કારણોસર નિયમિત શાળાએ જવા માટે અસમર્થ દીકરીઓ માટે પ્રોજેક્ટ હેઠળ ‘અનુકૂળ અભ્યાસ મોડલ’ અપનાવવામાં આવ્યું છે. ઉત્થાન સહાયકો દ્વારા ઘરઆંગણે માર્ગદર્શન, ૨ થી ૩ દીકરીઓના નાના અભ્યાસ સમૂહો (સ્ટડી ગ્રુપ્સ) અને અનુકૂળ સમય-સ્થળની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી વાલીઓની ચિંતા દૂર થઈ છે અને પરિવારો દીકરીઓને ભણાવવા માટે ઉત્સાહભેર આગળ આવ્યા છે.
સતત મોનિટરિંગ અને વ્યક્તિગત માર્ગદર્શનના ફળસ્વરૂપે તાજેતરમાં જાહેર થયેલા બોર્ડ પરીક્ષાના પરિણામોમાં આ સીમાંત વિસ્તારની દીકરીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ શૈક્ષણિક સત્રમાં ધોરણ ૧૦ (SSC)ની પરીક્ષામાં ૨૦ દીકરીઓ અને ધોરણ ૧૨ (HSC)ની પરીક્ષામાં ૧૮ દીકરીઓ ઝળહળતા પરિણામ સાથે ઉત્તીર્ણ થઈ છે. આ પરિણામો માત્ર આંકડા નથી, પરંતુ પરંપરાગત માનસિકતા ધરાવતા સરહદી વિસ્તારમાં કન્યા કેળવણી પ્રત્યે આવી રહેલા દિશાચૂધ પરિવર્તનનું જીવંત પ્રતીક છે.
અદાણી ફાઉન્ડેશનની આ દૂરંદેશી પહેલથી દીકરીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ, સ્વતંત્ર વિચારવાની ક્ષમતા અને આત્મવિશ્વાસમાં અપ્રતિમ વધારો થયો છે. ખાવડા અને બન્નીની દીકરીઓ હવે પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સાકાર કરવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. ‘પ્રોજેક્ટ ઉત્થાન’ એ સાબિત કરી બતાવ્યું છે કે જો સમુદાયનો વિશ્વાસ, સ્થાનિક ભાગીદારી અને યોગ્ય માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવે તો દેશના અતિ દુર્ગમ વિસ્તારોમાં પણ સ્થાયી અને વ્યાપક સામાજિક પરિવર્તન લાવી શકાય છે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




