GUJARATKUTCHMUNDRA

અદાણી ફાઉન્ડેશન અને KCLના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રામાં ભવ્ય નિઃશુલ્ક મેગા સર્જિકલ કેમ્પ સંપન્ન: ૩૦૦થી વધુ દર્દીઓએ લીધો લાભ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

અદાણી ફાઉન્ડેશન અને KCLના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રામાં ભવ્ય નિઃશુલ્ક મેગા સર્જિકલ કેમ્પ સંપન્ન: ૩૦૦થી વધુ દર્દીઓએ લીધો લાભ

મુન્દ્રા (કચ્છ) સમાજના છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ અને ગુણવત્તાસભર સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે અદાણી ફાઉન્ડેશન અને કચ્છ કોપર લિમિટેડ (KCL) ના સહયોગથી મુન્દ્રા ખાતે એક ભવ્ય નિઃશુલ્ક મેગા જનરલ સર્જરી નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમભાઈ અદાણીના જન્મદિવસના ખાસ અવસર પર યોજાયેલા આ સેવાકીય કેમ્પમાં સ્થાનિક અને આસપાસના ગ્રામીણ વિસ્તારના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મુન્દ્રા સરકારી દવાખાના (શાસ્ત્રી મેદાન સામે) ખાતે સવારે ૯:૩૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં અનુભવી સર્જનો અને તબીબોની વિશેષ ટીમ દ્વારા દર્દીઓની સઘન તપાસ, રોગનું ચોક્કસ નિદાન, પરામર્શ તેમજ સર્જરી સંબંધી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન હાઇડ્રોસીલ, હર્નિયા, ફિમોસિસ, બ્રેસ્ટ સર્જરી, હરસ-મસા, ફિસ્ટુલા, ફિશર, એપેન્ડિક્સ, ગોલબ્લેડર, હિસ્ટરેક્ટમી અને વેરિકોઝ વેન્સ જેવી જટિલ સર્જરી સંબંધિત વિવિધ બીમારીઓનું નિદાન કરી નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી હતી.

આ કેમ્પમાં ૩૦૦થી વધુ દર્દીઓએ આરોગ્ય તપાસ અને સેવાઓનો લાભ લીધો હતો, જેમાંથી આશરે ૧૪૦ દર્દીઓને વધુ સઘન નિદાન અને વિશેષ સર્જરી માટે રેફર કરવામાં આવ્યા છે.

આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ કરવાના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા સામુહીક આરોગ્ય કેન્દ્ર (CHC) ના સર્વાંગી વિકાસ અર્થે મહત્વપૂર્ણ માળખાકીય કામગીરી કરવામાં આવી છે. જેમાં વૃક્ષારોપણ, પેવર બ્લોક્સ, નવીન બાઉન્ડરી વોલ, પાર્કિંગ શેડ અને RO પ્લાન્ટ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને આરોગ્ય કેન્દ્રનું આકર્ષક રંગરોગાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પેશન્ટ એક્ઝામિનેશન ટેબલ, OT અને એક્ઝામિનેશન લાઈટ્સ, વ્હીલચેર, સ્ટ્રેચર, લેબર ટેબલ, ડિલિવરી બેડ, સેમી-ફોલર બેડ, ઇમર્જન્સી ટ્રોલી અને IV સ્ટેન્ડ જેવા અત્યાધુનિક તબીબી સાધનો પણ ફાળવવામાં આવ્યા છે.

કાર્યક્રમ દરમિયાન ડૉ. ત્રિયાંક શુક્લાએ કેમ્પના સામાજિક ઉદ્દેશ્યો અને અદાણી હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે ડૉ. મંથન ફ્ફલે મુન્દ્રા CHC ની કામગીરી અને ફાઉન્ડેશનના સહયોગથી થયેલા આધુનિકીકરણ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અદાણી પોર્ટ્સ એન્ડ SEZના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે, “અદાણી ગ્રુપ ‘Growth with Goodness’ના વિઝન સાથે સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. આરોગ્ય ક્ષેત્રે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી આ સેવાઓ તે જ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.”

આ પ્રસંગે મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી ભોજરાજભાઈ ગઢવી, ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી આશાબેન સોરઠીયા, THO ડૉ. મેહુલ બાલદાણીયા, સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મંથન ફફલ સહિત વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!