CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા ઝવેરચંદ મેઘાણી કોલેજ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી

નાયબ મુખ્ય દંડક, સાંસદ, જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને એસપી સહિત સ્થાનિક પદાધિકારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા

તા.15/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

નાયબ મુખ્ય દંડક, સાંસદ, જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને એસપી સહિત સ્થાનિક પદાધિકારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા

આઝાદીના ૮૦મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા ઝવેરચંદ મેઘાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અત્યંત ઉત્સાહભેર અને શાનદાર રીતે સંપન્ન થઈ હતી. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં રાષ્ટ્રપ્રેમ, સાંસ્કૃતિક વિરાસત અને પ્રાદેશિક વિકાસનો સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા વિધિવત ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. તેમણે સમગ્ર જિલ્લા વાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા રાષ્ટ્રનાયકો તથા સરહદ પર અડીખમ ઊભેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ઉમેર્યું કે આપણી આઝાદી લાખો ક્રાંતિવીરોના ત્યાગ અને બલિદાનનું પરિણામ છે. આ તકે તેમણે સુરેન્દ્રનગરની શૌર્યભૂમિના રતનો—રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, સરદારસિંહ રાણા અને અમૃતલાલ શેઠના યોગદાનને બિરદાવ્યા હતા તેમજ ચોટીલા સ્થિત મેઘાણી મ્યુઝિયમને નવી પેઢી માટે પ્રેરણાનું ઉત્તમ કેન્દ્ર ગણાવ્યું હતું.
પોતાના સંબોધનમાં મંત્રીએ નાગરિકોને બંધારણીય આદર્શોને અનુસરીને લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ કરવા અને ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના સંકલ્પમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ નહીં, પરંતુ હરિત ઊર્જા, સેમિકન્ડક્ટર અને માળખાકીય સુવિધાઓમાં આગળ વધી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગિફ્ટ સિટી અને ધોલેરા SIR જેવા મેગા પ્રોજેક્ટ્સે રાજ્યને વૈશ્વિક ઓળખ આપી છે. સ્થાનિક સ્તરે, નર્મદાના નીર અને ઢાંકી પમ્પિંગ સ્ટેશન થકી સુરેન્દ્રનગરમાં આવેલી જળક્રાંતિ, કુપોષણમુક્ત સમાજનું નિર્માણ, યુવા કૌશલ્ય વિકાસ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ભક્તિવન તથા વટેશ્વર વન જેવા પ્રકલ્પોની તેમણે વિશેષ નોંધ લીધી હતી. મંત્રી અને મહાનુભાવોના હસ્તે જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને સૂતરની આંટી અને સાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિશિષ્ટ યોગદાન આપનાર અધિકારીઓ અને સંસ્થાઓનું બહુમાન કરાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રજૂ કરાયેલું લૂંટ ડેમોન્સ્ટ્રેશન ઉપસ્થિત તમામ લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વિવિધ શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું. સમારોહના અંતે તમામ મહાનુભાવો દ્વારા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સરકારી વિભાગો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ યોજનાકીય પ્રદર્શન સ્ટોલ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા, ધારાસભ્યો કિરીટસિંહ રાણા અને શામજીભાઈ ચૌહાણ સહિત જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું તેમજ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!