ચોટીલા નેશનલ હાઇવે ૪૭ પર ભૂમાફિયાઓ સામે લાલ આંખ: નાયબ કલેકટરની ટીમ દ્વારા રૂ. 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

તા.15/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનિજનું વહન અને ચોરી કરતા ભૂમાફિયાઓ સામે તંત્રે લાલ આંખ કરી છે. ચોટીલાના નાયબ કલેકટર એચ. ટી. મકવાણા અને તેમની સંયુક્ત ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને નેશનલ હાઇવે ૪૭ પરથી ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા બે ઓવરલોડ ડમ્પરોને ઝડપી પાડી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, ચોટીલા નેશનલ હાઇવે ૪૭ પરથી કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ વગર અને ક્ષમતા કરતાં વધુ (ઓવરલોડ) રેતી ખનિજ ભરીને ડમ્પરો પસાર થઈ રહ્યા હોવાની ચોક્કસ બાતમી અથવા શંકાના આધારે નાયબ કલેકટર એચ. ટી. મકવાણા અને તેમની સંયુક્ત ટીમે હાઇવે પર વોચ ગોઠવી હતી. ચેકિંગ દરમિયાન હાઇવે પરથી પસાર થઈ રહેલા બે શંકાસ્પદ ડમ્પરોને અટકાવીને પૂછપરછ તથા કાગળોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ડમ્પરોમાં તદ્દન ગેરકાયદેસર રીતે, રોયલ્ટી પાસ વગર જ ઓવરલોડ રેતીનું વહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું રૂ. ૮૦ લાખનો મુદ્દામાલ સીઝ કરી મામલતદાર કચેરી ખસેડાયો તંત્ર દ્વારા સ્થળ પર જ કડક કાર્યવાહી કરીને બંને ડમ્પરોને જપ્ત કરવામાં આવ્યા હતા જેમાં ડમ્પર નંબર GJ 13 AW 0555 અને ડમ્પર નંબર GJ 13 AW 7900 બંને ડમ્પર તથા તેમાં ભરેલ ગેરકાયદેસર રેતી ખનિજ મળીને કુલ રૂ. ૮૦,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની સીઝર પ્રોસેસ માટે મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગેરકાયદેસર વહન કરનાર ઇસમો સામે કાર્યવાહી તપાસ દરમિયાન આ ગેરકાયદેસર ખનિજનું વહન કરવામાં સામેલ ઇસમો અનિરુદ્ધભાઈ બાબુભાઈ ગોહિલ રહે, વસ્તડી અને ગીરીરાજસિંહ મનુભા મકવાણા રહે, વડોદ આ બંને ઇસમો સામે “The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage) Rules, 2017” અન્વયે ગુનો નોંધી, દંડકીય રકમ વસૂલવા સહિતની નિયમોનુસારની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ કલેકટરની આ સરપ્રાઇઝ કાર્યવાહીથી ચોટીલા અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર ખનિજ ચોરી તથા હેરાફેરી કરતા ભૂમાફિયાઓમાં ભારે ફાળ પડી છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.




