બોડેલી સ્થિત ઢોકળીયા પબ્લિક હોસ્પિટલના સહયોગથી વિપો વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા ૪૮મા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનના પ્રેરક અને માર્ગદર્શક પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના આશીર્વાદથી વર્ષ ૧૯૯૭થી દર ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ રક્તદાન શિબિર યોજવાની પરંપરા મુજબ, આજના સ્વાતંત્ર્ય પર્વે યોજાયેલા કેમ્પમાં ૬૯ રક્તદાતાઓએ ઉત્સાહભેર સ્વયંભૂ રક્તદાન કર્યું હતું.
આ કેમ્પનો પ્રારંભ બોડેલી નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જીગ્નેશભાઈ ચોકસી, સ્થાનિક કોર્પોરેટરો, વૈષ્ણવ સમાજના અગ્રણીઓ તેમજ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર જૈમિન પંચાલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.
વડોદરાની ઇન્દુ બ્લડ બેન્કના સહયોગથી એકત્રિત કરાયેલા આ રક્તનું સંપૂર્ણ લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે સંગઠન દ્વારા જીગ્નેશભાઈ ચોકસી અને વલ્લભભાઈ શાહને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ નિરંતર સેવા આપીને માનવતાના આ સેવા કાર્યને આગળ ધપાવી રહ્યા છે.