
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
15 ઓગસ્ટના તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ભાજપ તાલુકા પ્રમુખ-મંત્રી સહિત આગેવાનોની બેઠક વ્યવસ્થાને લઈ નારાજગી
ખેરગામ: 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત 15 ઓગસ્ટ, 2026ના રોજ ખેરગામ તાલુકા કક્ષાનો કાર્યક્રમ મુખ્ય પ્રાથમિક શાળા, નાંધઈ ખાતે યોજાયો હતો. પરંતુ કાર્યક્રમ દરમિયાન યોગ્ય વ્યવસ્થાના અભાવે ખેરગામ ભાજપ સંગઠનના પ્રમુખ, મંત્રી સહિત તાલુકા સભ્યો અને અન્ય આમંત્રિત મહેમાનોને મુશ્કેલી પડી હોવાની ચર્ચા વચ્ચે વહીવટી તંત્રની કામગીરી સામે સંગઠનમાં રોષ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, કાર્યક્રમમાં ખેરગામ ભાજપ સંગઠનના પ્રમુખ અને મંત્રી સહિત કેટલાક તાલુકા સભ્યો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેના કારણે તેમને ઊભા રહીને કાર્યક્રમ નિહાળવો પડ્યો હોવાની ચર્ચા છે. ભાજપના નવસારી જિલ્લાના પૂર્વ પ્રમુખ ભીખુભાઈ આહીરને પણ શરૂઆતમાં આશરે 15થી 20 મિનિટ સુધી ઊભા રહેવું પડ્યું હતું અને ત્યારબાદ તેમને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
તાલુકા કક્ષાના કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, તાલુકા સભ્યો તથા પૂર્વ સભ્યો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા ન હોવા અંગે પણ સવાલો ઉઠ્યા હતા. રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે જરૂરી જગ્યા અંગે પણ ચર્ચા થઈ હતી. લાખો રૂપિયાના ખર્ચે યોજાતા તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં વ્યવસ્થાનો અભાવ કેમ રહ્યો? તે અંગે લોકોમાં ચર્ચા જોવા મળી હતી.
આ ઉપરાંત, લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સ્ટેજ પર ખુલ્લા પતરા જોવા મળ્યા હતા. વરસાદી વાતાવરણ વચ્ચે સ્ટેજની આવી વ્યવસ્થા સામે સ્ટેજની ગુણવત્તા તથા મહેમાનોની સુરક્ષા અંગે પણ સવાલો ઉઠ્યા હતા. સ્ટેજ પાછળ કરવામાં આવેલા ખર્ચ સામે જરૂરી સુવિધા અને સુરક્ષાની વ્યવસ્થા કેમ ન કરવામાં આવી તે અંગે પણ લોકોમાં ચર્ચા જોવા મળી હતી.
પત્રકારો માટે પણ યોગ્ય બેઠક અથવા કવરેજ માટે જરૂરી જગ્યા ઉપલબ્ધ ન હોવાની ચર્ચા વચ્ચે પત્રકારોની અવગણના થઈ હોવાની લાગણી જોવા મળી હતી.
બીજી તરફ, ખેરગામ તાલુકા ભાજપ સંગઠનના અનેક હોદ્દેદારો, મંત્રીઓ અને સભ્યોને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા ન હોવાની ચર્ચા છે. વહીવટી તંત્ર દ્વારા વારંવાર સંગઠનના આગેવાનોની અવગણના કરવામાં આવતી હોવાની ચર્ચા વચ્ચે ભાજપ સંગઠનમાં રોષ અને નારાજગી જોવા મળી હતી.
આ અંગે ખેરગામ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ લીતેશભાઈએ નાયબ મામલતદાર ભાવેશ પટેલ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે. તેમણે કથિત રીતે જણાવ્યું હતું કે, “અમને આમંત્રિત કર્યા છે કે અપમાન કરવા બોલાવ્યા છે? રૂમમાં બેસાડવા બોલાવ્યા છે.” આ મામલે વહીવટી તંત્ર તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
પત્રકારોને કાર્યક્રમની જાણ કરવામાં ન આવતાં સવાલો
તાલુકા સેવા સદન તરફથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગેની માહિતી કે અખબારી યાદી પણ પત્રકારોને સમયસર પહોંચાડવામાં આવી ન હોવાની ચર્ચા છે. એટલું જ નહીં, કેટલાક લોકોને આમંત્રણ કાર્ડ પણ 14 ઓગસ્ટની સાંજે પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. ત્યારે સવાલ એ છે કે આમંત્રણ અને કાર્યક્રમની માહિતી જ મોડેથી પહોંચે તો અખબારી યાદી પ્રસિદ્ધ કેવી રીતે થઈ શકે?
ખેરગામ તાલુકામાં જાણે પત્રકારોના અસ્તિત્વની જ અવગણના કરવામાં આવતી હોય તેવી લાગણી કેટલાક પત્રકારોમાં જોવા મળી રહી છે. સરકારી કાર્યક્રમોની માહિતી સમયસર મીડિયાને ઉપલબ્ધ કરાવવી જરૂરી હોવા છતાં આવી સ્થિતિ કેમ સર્જાય છે તે અંગે પણ સવાલો ઉઠ્યા છે.
સરકારી તંત્ર દ્વારા પત્રકારોને કાર્યક્રમોની આગોતરી જાણ કરવામાં ન આવતી હોવા છતાં સ્થાનિક પત્રકાર સંઘ દ્વારા પણ આ બાબતે અસરકારક રજૂઆત કરવામાં ન આવતી હોવાની ચર્ચા છે. જેના કારણે સરકારી તંત્રની આવી ઉપેક્ષા સામે પત્રકાર સંઘ પણ નબળો સાબિત થઈ રહ્યો હોવાની લાગણી કેટલાક પત્રકારોમાં જોવા મળી રહી છે.
તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો, આમંત્રિત મહેમાનો અને પત્રકારો માટે યોગ્ય બેઠક તથા જરૂરી વ્યવસ્થા કરવી જરૂરી છે. ત્યારે કાર્યક્રમમાં જોવા મળેલા વ્યવસ્થાના અભાવે હવે વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે અને ભાજપ સંગઠનમાં પણ નારાજગીનો માહોલ જોવા મળ્યો છે.





