GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂર્ણ ઉજવણી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી બસ સ્ટેન્ડથી શહીદ ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી વિભાજન દરમિયાન જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

****વિભાજનના દુઃખદ ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવા અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવાયો

*****વિભાજન દરમિયાનની હૃદયદ્રાવક ઘટનાઓ, વિસ્થાપિત પરિવારોની વેદના અને સંઘર્ષને રજૂ કરતી નાટ્ય કૃતિએ ઉપસ્થિત સૌને ભાવુક કર્યા

*** દેશના વિભાજન દરમિયાન લાખો પરિવારો દ્વારા વેઠવામાં આવેલી અસહ્ય વેદના અને સંઘર્ષને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્ર તથા નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નવસારી ટાઉન હોલ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત અને ‘વંદે માતરમ્’ના ગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો તથા નાગરિકોએ દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારાઓ અને વિસ્થાપિત પરિવારોની વેદનાને યાદ કરી નવસારી બસ સ્ટેન્ડથી શહીદ ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

         આ પ્રસંગે કામરેજના પૂર્વ ધારાસભ્યશ્રી જનકભાઈ બગદાણાવાળાએ જણાવ્યું હતું કે, દેશના વિભાજનની કરુણ ઘટના અને તેના પરિણામે લાખો પરિવારોને ભોગવવી પડેલી યાતનાથી નવી પેઢી પરિચિત થાય તે હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૧થી ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ મનાવવામાં આવે છે.

           તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની આઝાદી માટે અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશભક્તોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. જોકે, દેશના વિભાજન સમયે અનેક પરિવારો એકબીજાથી વિખૂટા પડી ગયા હતા અને અસહ્ય પીડાનો સામનો કરવો પડ્યો હતો. આવા તમામ પરિવારોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી એ આપણી સૌની નૈતિક ફરજ છે.

           દેશના વિભાજન દરમિયાન લાખોની સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા હતા. આ કરુણ પરિસ્થિતિમાં અનેક પરિવારોને પોતાનું વતન છોડીને અજાણી ધરતી પર નવેસરથી જીવન શરૂ કરવું પડ્યું હતું. સિંધમાંથી આવેલા અનેક પરિવારો નવસારીમાં સ્થાયી થયા હતા. તેમણે પોતાની મહેનત, સાહસ તથા ઉદ્યોગસાહસિકતાના બળે અજાણી ધરતીને પોતાની બનાવી હતી. તેમણે નવસારીમાં ધંધા-વ્યવસાયો ઊભા કર્યા, રોજગારીની તકોનું સર્જન કર્યું અને નવસારીના આર્થિક તથા સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

વિસ્થાપિત પરિવારોનું વતન છૂટી ગયું હતું, પરંતુ તેમની મહેનત અને સંઘર્ષથી નવી ભૂમિને જ પોતાનું વતન બનાવી લેવામાં આવ્યું. તેમની સંઘર્ષગાથા વિભાજનની વેદના વચ્ચે માનવીય હિંમત, પરિશ્રમ અને રાષ્ટ્રનિર્માણની પ્રેરણાદાયી ગાથા બની છે.

કાર્યક્રમ દરમિયાન કર્મશુ આર્ટસના યુવાનો દ્વારા ‘વિભાજન એક આતંક’ નામની નાટ્ય કૃતિ રજૂ કરવામાં આવી હતી. વિભાજન દરમિયાન બનેલી હૃદયદ્રાવક ઘટનાઓ, વિસ્થાપિત પરિવારોની વેદના અને સંઘર્ષને રજૂ કરતી આ નાટ્ય કૃતિએ ઉપસ્થિત સૌને ભાવુક કરી દીધા હતા.

         આ ઉપરાંત, વિભાજન વિભીષિકાની કરુણ ગાથા અને તે સમયની પરિસ્થિતિને ઉજાગર કરતી ફિલ્મનું પણ ઉપસ્થિત મહાનુભાવો તથા નાગરિકોએ નિહાળ્યું હતું.

          આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક, નવસારી મહાનગરપાલિકા મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની, નવસારી મહાનગરપાલિકા કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય, પોલીસ અધીક્ષકશ્રી રાહુલ પટેલ, પ્રાંત અધિકારીશ્રી જનમ ઠાકોર સહિત જિલ્લાના તથા મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!