સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ઉત્સાહભેર ઉજવાયો ૮૦મો સ્વાતંત્ર્ય દિન

15 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાષ્ટ્રપ્રેમ અને પ્રાકૃતિક ખેતીના સંકલ્પ સાથે સરદારકૃષિનગર કૃષિ યુનિવર્સિટીમાં ઉજવાયો ૮૦મો સ્વતંત્રતા દિવસ.સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે તારીખ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ૮૦માં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કુલપતિશ્રી પ્રો. આર. એસ. ચંદેલ દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કુલપતિશ્રીના વરદ હસ્તે યુનિવર્સિટી ખાતેના મેજર ધ્યાનચંદ રમતગમત સંકુલનાં પ્રાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવશ્રી સમીરભાઈ જોષી તેમજ ઉપસચિવશ્રી અંકિતાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, આચાર્ય અને ડીનશ્રીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, એન.સી.સી. કેડેટ્સ તથા સિક્યોરિટી અને હોમગાર્ડ્સના જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધનમાં કુલપતિશ્રીએ દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર પુરુષો અને અમર શહીદોના બલિદાનને યાદ કરી નમન કર્યા હતા. તેમણે વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવા માટે સૌને કટિબદ્ધ થઈને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.વર્તમાન સમયમાં જળ, જમીન અને પર્યાવરણમાં વધી રહેલા પ્રદૂષણને અટકાવવા માટે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધુ વિસ્તૃત કરવા કૃષિ વૈજ્ઞાનિકોને અનુરોધ કર્યો હતો તેમજ ગુણવત્તાયુક્ત કાર્યો કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ, દેશના યુવાનોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા પ્રેરણા પૂરી પાડી હતી. આ ઉપરાંત, સમગ્ર વર્ષ દરમિયાન યુનિવર્સિટી દ્વારા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે કરવામાં આવેલી વિશિષ્ટ કામગીરીને બિરદાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે વડાપ્રધાનશ્રીના પ્રેરણાત્મક “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત યુનિવર્સિટી પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.






