GUJARATJUNAGADHKESHOD

શ્રી શેરગઢ કન્યા શાળામાં ૧૫મી ઓગસ્ટના પાવન પર્વે સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી કરવામાં આવી હતી.

શ્રી શેરગઢ કન્યા શાળામાં ૧૫મી ઓગસ્ટના પાવન પર્વે સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ્ના ગાન દ્વારા કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગામના માજી તાલુકા પંચાયત સદસ્યશ્રી તથા કન્યા શાળા અને કન્યા વિદ્યાલયના આચાર્યશ્રીઓના કરકમલો દ્વારા સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત માજી તાલુકા પંચાયત સદસ્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ એકસાથે રાષ્ટ્રગીત ગાઈને ધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં દેશભક્તિના ગીતો, સમૂહ નૃત્ય અને સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન પર આધારિત વક્તવ્યોનો સમાવેશ થતો હતો. બાળકોની અદ્ભુત પ્રસ્તુતિ જોઈને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. શાળાને વારંવાર ઉપયોગી થનાર સરપંચ મોહિતસિંહ દયાતર, શાહબુદ્દીનભાઈ ડોબરિયા, શૈલેષભાઈ કાલરીયા, જીતેન્દ્રભાઈ બાબરીયા, બકુલભાઈ જેઠવા, દિનેશભાઈ વીરાણીનું મોમેન્ટો આપીને શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો પૂર્ણ થયા બાદ એક વિશેષ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો અને વાલીઓ વચ્ચે બાળકોના શિક્ષણ અને શાળાના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી શાળાની પ્રવૃત્તિઓ અને બાળકોના ઉત્સાહને બિરદાવતા ગ્રામજનો, સરપંચશ્રી અને દાતાઓ તરફથી સ્વેચ્છાએ કુલ ₹૧૪,૦૦૦ (ચૌદ હજાર) રૂપિયાનો ફાળો એકત્રિત થયો હતો. આ રકમનો ઉપયોગ બાળકોના શૈક્ષણિક વિકાસ અને શાળાની સુવિધાઓ વધારવા માટે કરવામાં આવશે. કાર્યક્રમના અંતે શાળા તરફથી સરપંચશ્રીના સહયોગ દ્વારા ઉપસ્થિત તમામ ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગામના મુરબ્બી એવા શાહબુદ્દીનભાઈ ડોબરિયા તરફથી દરેક બાળકોને બિસ્કિટ આપવામાં આવ્યા હતા. આચાર્યશ્રી દ્વારા તમામ અતિથિઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યા બાદ કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ થઈ હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!