INTERNATIONAL

ઇન્ડોનેશિયાના ફ્લોરેસ આઈલેન્ડના તટ પર 7.7 ની તીવ્રતાનો ભારે ભૂકંપ આવ્યો, 38ના મોત

ઇન્ડોનેશિયાના ફ્લોરેસ આઈલેન્ડના તટ પર શનિવારે સવારે 7.7 ની તીવ્રતાનો ભારે ભૂકંપ આવ્યો હતો. જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે અને અત્યાર સુધીમાં 38 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 05.58 વાગ્યે 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો, જેનું કેન્દ્ર પૂર્વ નુસા તેંગારા પ્રાંતના એન્ડે શહેરથી 68 કિલોમીટર ઉત્તર-ઉત્તર-પશ્ચિમમાં હતું. શરૂઆતી આંચકા બાદ અનેક આફ્ટરશૉક્સ પણ અનુભવાયા હતા.

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના વડાએ જણાવ્યું હતું કે બચાવકર્મીઓએ સિક્કા, મંગ્ગારાઈ અને પૂર્વ મંગ્ગારાઈ જેવા પ્રભાવિત વિસ્તારોમાંથી 38 શબ બહાર કાઢ્યા છે. જેમાં મંગ્ગારાઈના રેઓક ગામમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) ને કારણે મૃત્યુ પામેલા 16 લોકો પણ સામેલ છે. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે અનેક ઈમારતો અને મકાનો ધરાશાયી થઈ ગયા હતા. પૂર્વ નુસા તેંગારાના પોલીસ પ્રમુખ રૂડી ડારમોકોના જણાવ્યા મુજબ, એન્ડે વિસ્તારમાં થયેલા ભૂસ્ખલનના કારણે ‘ટ્રાન્સ-ફ્લોરેસ હાઈવે’ પણ બંધ થઈ ગયો છે, જે લાબુઆન બાજોથી લારંતુકા સુધી ફેલાયેલો છે. આ ઉપરાંત વીજળી ગૂલ થઈ જવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

ભૂકંપ બાદ અધિકારીઓ દ્વારા શરૂઆતમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જેને બાદમાં પાછી ખેંચી લેવામાં આવી હતી. નાગેકેઓ વિસ્તારના લગભગ 2000 જેટલા ગ્રામીણ નાગરિકો પોતાના ઘર છોડીને સુરક્ષિત અસ્થાયી આશ્રયસ્થાનોમાં જતા રહ્યા છે. કટોકટી અને લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડવા માટે ત્રણ હેલિકોપ્ટર અને એક બચાવ જહાજ તૈનાત કરવામાં આવ્યા છે. હજુ પણ અનેક ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને પ્રશાસન દ્વારા નુકસાનનો આંકડો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!