NATIONAL

વિદ્યાર્થીઓ ને મારા વચ્ચે ના વિવાદમાં કોઇએ પડવાની જરૂર નથી : સીજેઆઇ

નવી દિલ્હી : હૈદરાબાદની લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના આમંત્રણનો વિરોધ કર્યો હતો. જેને પગલે બાદમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ યુનિ.ના તમામ વદ્યાર્થીઓનું વકીલ તરીકે રજિસ્ટ્રેશન ના કરવા તમામ રાજ્યોના બાર કાઉન્સિલને આદેશ કર્યો હતો. જેથી ભારે વિવાદ થયો હતો. ખુદ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત આ વિદ્યાર્થીઓના બચાવમાં આવ્યા હતા અને બાર કાઉન્સિલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ અમારી અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે, વિદ્યાર્થીઓને વિરોધનો પુરો અધિકાર છે.

હૈદરાબાદ સ્થિત નેશનલ એકેડમી ઓફ લીગલ સ્ટડી એન્ડ રિસર્ચ (લો યુનિવર્સિટી)ના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વીસી અને રજિસ્ટ્રારને પત્ર લખ્યો હતો, જેમાં આ વિદ્યાર્થીઓએ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય ન્યાયાધીશને આમંત્રણ આપવાનો વિરોધ કર્યો હતો. યુવાનોને કોકરોચ કહેવા અને દિલ્હી પોલીસ દ્વારા લાઠીચાર્જના વીડિયો જોવાનો સમય ના હોવાની મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણી બદલ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. જોકે વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતનો વિરોધ થતા વકીલોની નોંધણી અને દેખરેખ માટેના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તમામ રાજ્યોની બાર કાઉન્સિલને આદેશ આપ્યો હતો. અને મુખ્ય ન્યાયાધીશનો વિરોધ કરનારા વિદ્યાર્થીઓ તેમજ આ વર્ષે ગ્રેજ્યુએટ થનારા તમામ વિદ્યાર્થીઓનું વકીલ તરીકે રજિસ્ટ્રેશન ના કરવા કહ્યું હતું.

જોકે લો યુનિવર્સિટીના ૪૦૦ જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ વર્તમાન વિદ્યાર્થીઓના બચાવમાં આવ્યા હતા, અને એક ખુલ્લા પત્ર દ્વારા બાર કાઉન્સિલના નિર્ણયને વખોડયો હતો. સાથે જ વિદ્યાર્થીઓની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ ગણાવી હતી. બાર કાઉન્સિલના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ પર માનસિક ત્રાસ ગુઝારવામાં આવ્યો છે. બીજી તરફ ભારે વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં બાર કાઉન્સિલના નિર્ણય સામે એક અપીલ કરાઇ હતી, જેની તાત્કાલીક સુનાવણીની માગ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત વિદ્યાર્થીઓના બચાવમાં આવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ઉધડો લેતા કહ્યું હતું કે આ સમગ્ર મામલો મારી અને વિદ્યાર્થીઓ વચ્ચેનો છે, તેમાં દખલ દેનારુ બાર કાઉન્સિલ કોણ છે? વિદ્યાર્થીઓને વિરોધ કરવાનો પુરો અધિકાર છે, તેમને વિરોધ કરતા તમે ના રોકી શકો. આ સાથે જ મુખ્ય ન્યાયાધીશે બાર કાઉન્સિલ પાસેથી સમગ્ર મામલે જવાબ માગ્યો હતો.

બાર કાઉન્સિલના વકીલે દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ સામે જાહેર થયેલો આદેશ પરત ખેંચી લેવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરપર્સન મનનકુમાર મિશ્રા દ્વારા બાદમાં સ્પષ્ટતા કરતું નિવેદન જાહેર કરાયું હતું અને કહ્યું હતું કે અમે માત્ર મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનની ચકાસણી કરી રહ્યા હતા અને જવાબદારોની માહિતી માગી હતી. પૂર્વ વિદ્યાર્થીઓનો વિરોધ, સુપ્રીમમાં થયેલી અરજી અને મુખ્ય ન્યાયાધીશની ફટકાર બાદ બાર કાઉન્સિલે પોતાના સુધારેલા નોટિફિકેશનમાં રાજ્યોની બાર કાઉન્સિલ્સને આ વિદ્યાર્થીઓનું વકીલ તરીકે રજિસ્ટ્રેશન કરવાની છૂટ આપી હતી સાથે જ કહ્યું હતું કે મોટાભાગના વિદ્યાર્થીઓ નિર્દોષ છે. જોકે સુપ્રીમ કોર્ટે હજુસુધી બાર કાઉન્સિલના નિર્ણય સામે થયેલી અરજીને રદ નથી કરી, આ મુદ્દે બે સપ્તાહ બાદ સુનાવણી થવાની છે.

Back to top button
error: Content is protected !!