WAKANER વાંકાનેરના વઘાસિયા અને ટંકારામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: મોરબી LCBએ રૂ. ૫.૪૨ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝબ્બે કર્યા

WAKANER વાંકાનેરના વઘાસિયા અને ટંકારામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: મોરબી LCBએ રૂ. ૫.૪૨ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝબ્બે કર્યા
વાંકાનેરના વઘાસિયા ગામે અને ટંકારા ટાઉનમાં આવેલા બંધ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરનાર બે શાતિર તસ્કરોને મોરબી એલ.સી.બી. (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ મળી કુલ રૂ. ૫,૪૨,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો અંગે ફરિયાદો નોંધાયા બાદ મોરબી LCBની ટીમે સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનિકલ માધ્યમો અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ હાથ ધરી હતી. દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ પાસે વાહન ચેકિંગ ચાલુ હતું ત્યારે બાતમીના આધારે નંબર પ્લેટ વગરની નવી બજાજ પલ્સર મોટરસાઇકલ પર જઈ રહેલા બે શંકાસ્પદ ઇસમોને અટકાવવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન બંને શંકાસ્પદો પાસેથી ચોરીમાં ગયેલા સોના/ચાંદીના દાગીના, સિક્કા તથા રોકડ રકમ મળી આવ્યા હતા. પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા બંનેએ વાંકાનેરના વઘાસિયા અને ટંકારા ટાઉનમાં ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
ઝડપાયેલા આરોપીઓ જયસીંઘ ઉર્ફે રાણા શેરાસીંધ બાવરી (ઉં.વ. ૨૨, રહે. વડોદરા દંતેશ્વર, ચિંતનનગર)અર્જુનસીંઘ હીરાસીંઘ પટવાઇ સિકલીગર શીખ (ઉં.વ. ૧૯, રહે. બાવળા, કુમારશાળા પાછળ, પઢારવાસ, જી. અમદાવાદ)મોરબી LCB ટીમે બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન અને ટંકારા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.











