BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચને મળી સૌ પ્રથમ 24 કલાક કાર્યરત ન્યુરો અને સ્પાઇન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે થયું ઉદ્ઘાટન

સમીર પટેલ, ભરૂચ

 

– રોબોટિક રિહેબિલિટેશન અને ટાંકા વગરની સર્જરી જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલ ભરૂચના આંગણે સજ્જ

ભરૂચ. દક્ષિણ ગુજરાતના ભરૂચ અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મગજ, મણકા અને ન્યુરોલોજીકલ ગંભીર બીમારીઓની શ્રેષ્ઠ સારવાર માટે હવે સ્થાનિક દર્દીઓએ અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મોટા શહેરો તરફ દોડવું નહીં પડે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત સ્કાયલાઇન બિઝનેસ હબ ખાતે સૌ પ્રથમવાર 24 કલાક અને 365 દિવસ કાર્યરત હોય તેવી સંપૂર્ણ સુસજ્જ અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલ એન્ડ રોબોટિક રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. આ આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ આજરોજ ગુજરાત રાજ્યના માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચના સ્ટેશન રોડ પર પંચબત્તી સર્કલ નજીક, રિલીફ સિનેમા કમ્પાઉન્ડમાં આવેલા સ્કાયલાઇન બિઝનેસ હબના છઠ્ઠા માળે આકાર પામેલી આ હોસ્પિટલ ભરૂચ જિલ્લાની સૌથી પ્રથમ ૨૪ કલાક પૂર્ણકાલીન ન્યુરોસર્જન ઉપલબ્ધ ધરાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહેશે. લોકાર્પણ સમારોહમાં વિસ્તારના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય અને મંત્રીશ્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, મુક્તાનંદ સ્વામી, બલદેવ પ્રજાપતિ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. આ ઉપરાંત ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી નવનાથ ગવહાણે અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણાએ પણ ખાસ ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારી હતી.

આ હોસ્પિટલની સૌથી મોટી વિશેષતા તેની વિશ્વસ્તરીય ડોક્ટરોની ટીમ અને અત્યાધુનિક મેડિકલ ટેકનોલોજી છે. હોસ્પિટલમાં અનુભવી ન્યુરોસર્જન ડો. અમિત ગામિત, ડો. કેયુર પ્રજાપતિ, પ્રો. (ડો.) મેહુલ મોદી, ડો. હરીન મોદી અને ડો. જેનિલ ગુરનાની દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડશેઅને આ નિષ્ણાંત ન્યૂરો ટીમ ૨૪ x ૭ ઉપલબ્ધ રહશે. આ ઉપરાંત દર્દીઓને ગંભીર ઈજા કે લકવા (પેરાલિસિસ) ની અસર બાદ પુનઃવસન આપવા માટે ડો. નિરજ ભણસાલી અને ડો. તોરલ ભણસાલી પોતાની સેવાઓ આપશે.
અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર રોબોટિક રિહેબિલિટેશન ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના દ્વારા લકવો, મગજની ઈજા કે મણકાના ઓપરેશન પછી ચાલવામાં અસમર્થ દર્દીઓને આધુનિક રોબોટિક સાધનોની મદદથી ઝડપથી ચાલતા કરી શકાય છે. આ ઉપરાંત અહીં એન્ડોસ્કોપિક પદ્ધતિથી મગજ અને મણકાની ટાંકા વગરની જટિલ સર્જરીઓ પણ સફળતાપૂર્વક કરી શકાશે.

દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલમાં 50 બેડનું સમર્પિત ન્યુરો-સ્પાઇન યુનિટ, 8 બેડનું અતિઆધુનિક ક્રિટિકલ કેર ICU તેમજ 17 બેડનું ઓર્થો અને ન્યુરો રીહેબ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. તદુપરાંત એડવાન્સ મોડ્યુલર ઓપરેશન થિયેટર, સર્જિકલ માઇક્રોસ્કોપ, C-Arm મશીન, NCV, EMG, EEG, ડિજિટલ X-Ray અને મલ્ટી-સ્પેશિયાલિટી લેબોરેટરી જેવી સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સામાન્ય અને મધ્યમ વર્ગના દર્દીઓ પણ આ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવારનો લાભ મેળવી શકે તે માટે તમામ પ્રકારના મુખ્ય મેડીક્લેમ વીમા અને કેશલેસ સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે.
આ નવીન સુવિધા શરૂ થવાથી ભરૂચ અને નર્મદા જિલ્લાના ન્યુરો અને સ્પાઇનના દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે એક નવો આશાસ્પદ અધ્યાય શરૂ થયો છે.
વધુમાં તેઓએ સ્ટ્રોક હેલ્પલાઇન નંબર ૯૧૨૭ ૧૦૮ ૧૦૮ શરૂ કર્યો છે અને વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. સાથે સાથે હોસ્પિટલમાં દાખલ થતા તમામ દર્દીઓને જરૂર થતા વિનામૂલ્યે રક્ત સુવિધા પણ આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!