કાલોલમાં સરકારી અનાજના ગેરકાયદેસર સંગ્રહનો પર્દાફાશ: મામલતદારના દરોડા, ₹1.18 લાખનો જથ્થો સીઝ.

તારીખ ૧૭/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ બોરૂ રોડ પર ગુપ્ત બાતમીના આધારે મામલતદાર અને એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ‘શક્તિ એન્ટરપ્રાઇઝ’ નામના વેપારી મથકેથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અને શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાઈ આવ્યો છે.તપાસ દરમિયાન દુકાન આગળ ઉભેલી પિકઅપ બોલેરો ગાડી (નંબર: GJ-17-XX-2191) માંથી ૧૧ કટ્ટા ચોખા અને ૩ કટ્ટા ઘઉં (અંદાજિત ૫૦ કિ.ગ્રા. વાઇઝ) મળી આવ્યા હતા. ગાડીના માલિક અને દુકાનદાર શાહ નરેશભાઈ ભીમજીભાઈ પાસે ખરીદ-વેચાણ તથા બિલ અંગે પૃછપરછ કરતા તેઓ કોઈ પણ પ્રકારના બિલ રજૂ કરી શક્યા ન હતા. ત્યારબાદ દુકાનની પાછળના ભાગે આવેલી ઘંટી અને દુકાનની તપાસ કરતા વધુ અનાજનો જથ્થો મળી આવ્યો હતો.કુલ સીઝ કરાયેલ અનાજનો વિગતવાર જથ્થો:ઘઉં: ૩ કટ્ટા (૧૫૦ કિ.ગ્રા.) – કિંમત ₹૩,૭૫૦ ચોખા: ૧૧ કટ્ટા (૫૮૨.૫ કિ.ગ્રા.) – કિંમત ₹૧૭,૪૭૫ ચણા: ૫ કટ્ટા (૩૨૩.૫ કિ.ગ્રા.) – કિંમત ₹૧૬,૧૭૫ મકાઈ: ૩૪ કટ્ટા (૧૭૦૦ કિ.ગ્રા.) – કિંમત ₹૪૫,૯૦૦ મકાઈનો લોટ (સફેદ): ૪ કટ્ટા (૨૧૮.૫ કિ.ગ્રા.) – કિંમત ₹૭,૬૪૮ મકાઈનો લોટ (પીળો): ૪ કટ્ટા (૨૨૫ કિ.ગ્રા.) – કિંમત ₹૭,૮૭૫ કુસકી: ૬૫ કટ્ટા – કિંમત ₹૧૯,૫૦૦ અધિકારીઓ દ્વારા કુલ ₹૧,૧૮,૩૨૩ ની અંદાજિત કિંમત ધરાવતો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.આ સરકારી/શંકાસ્પદ અનાજના પૃથક્કરણ માટે ચાર અલગ-અલગ નમૂનાઓ (ચોખા, ઘઉં, ચણા અને ચોખા-પાકા) ૫૦૦-૫૦૦ ગ્રામ લેવામાં આવ્યા છે. આ અનાજનો સંગ્રહ ગેરકાયદેસર હોવાથી જિલ્લા કલેક્ટરના અન્ય હુકમ ન થાય ત્યાં સુધી દુકાનને સીલ મારી દેવામાં આવી છે અને સંપૂર્ણ જથ્થો તબદીલી ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી, ગોધરાને આગળની તપાસ અને કાર્યવાહી માટે અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે.







