ડ્રગ્સ જાગૃતિ અને કારકિર્દી માર્ગદર્શન: ચૂલી ગામની સંસ્કાર ભારતી વિધ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

તા.18/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચૂલી ગામ સ્થિત ‘સંસ્કાર ભારતી વિધ્યાલય’ ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ડ્રગ્સ જાગૃતિ અને જીવનના મૂલ્યો સમજાવતો એક વિશેષ અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાબરમતી સેન્ટ્રલ જેલના નિવૃત્ત જેલર મહેશ દવે મુખ્ય વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના જેલ જીવનના સાપેક્ષ અને પ્રત્યક્ષ અનુભવોના આધારે સંવેદનશીલ મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ સાથે ખુલ્લા મનથી વાતચીત કરી હતી. એક કલાકથી વધુ સમય ચાલેલા આ સંવાદ દરમિયાન શાળાના બાળકોની શિસ્ત અને ઉત્કંઠા ઉડીને આંખે વળગે એવી હતી. તમામ વિદ્યાર્થીઓએ બોર થયા વિના એકચિત્તે આખો કાર્યક્રમ સાંભળ્યો હતો. વ્યસનમુક્તિ સાથે કારકિર્દીનું માર્ગદર્શન સાથે શ્રી મહેશ દવેએ પ્રવર્તમાન સમયના ઝેર સમાન ડ્રગ્સની ગંભીર અસરો વિશે પ્રકાશ પાડ્યો હતો. આ સાથે જ યુવાનોને ખરાબ સોબત, વિવિધ વ્યસનો અને કસમયના આભાસી પ્રેમથી દૂર રહેવા માર્મિક ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે કોઈ યુવાન ખરાબ રસ્તે જતો અટકે અને દીકરીઓ સુરક્ષિત રહે તે સમાજની પ્રાથમિક જરૂરિયાત છે. ડ્રગ્સ જાગૃતિ ઉપરાંત, તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્ય બનાવવા માટે સખત મહેનત કરવા અને GPSC, UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા અંગે મહત્વની ટીપ્સ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેશ દવે જેલર તરીકે નિવૃત્ત થયા બાદ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ સ્કૂલ-કોલેજોની મુલાકાત લઈ ૫૦ હજારથી વધુ યુવાનોને ડ્રગ્સ અને વ્યસન મુક્તિના શપથ લેવડાવી ચૂક્યા છે. આ સુંદર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપાલ ઘનશ્યામ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ચૂલી ગામના અગ્રણી અમથુભાઈ પલાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનને બિરદાવ્યું હતું.



