MORBI:મોરબીમાં કૌટુંબિક તકરારમાં હિંસક હુમલો: શક્ત સનાળામાં વૃદ્ધા પર લાકડાના ધોકા વડે હુમલો

MORBI:મોરબીમાં કૌટુંબિક તકરારમાં હિંસક હુમલો: શક્ત સનાળામાં વૃદ્ધા પર લાકડાના ધોકા વડે હુમલો
મોરબી શહેરના શક્ત સનાળા નવા પ્લોટ વિસ્તારમાં કૌટુંબિક તકરારમાં હિંસક બનાવ સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધા પર તેમના જ દીકરાના સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, શક્ત સનાળા નવા પ્લોટ વિસ્તારમાં રહેતા નંદુબેન છગનભાઈ સોલંકી (ઉં.વ. ૫૫) નામના વૃદ્ધાએ આરોપી લલીતભાઈ ખેંગારભાઈ ઉભડીયા (રહે. ભડીયાદ, તા. મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી લલીતભાઈએ “તમે મારી બહેનને કેમ હેરાન કરો છો?” તેમ કહી નંદુબેન સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ આવેશમાં આવી લાકડાના ધોકા વડે નંદુબેન પર તૂટી પડી બંને પગે તેમજ વાંસાના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે નંદુબેનની ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









