BHARUCHBHARUCH CITY / TALUKO

FDAના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા:ભરૂચમાં દવાના લાયસન્સ માટે રૂ. 40 હજાર માંગ્યા, ACBએ લાંચનું છટકું ગોઠવી ઝડપી પાડ્યાં

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચમાં દવાના હોલસેલ લાયસન્સની મંજૂરી માટે લાંચ માંગવાના આરોપસર નર્મદા ACBએ કાર્યવાહી કરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDA) ભરૂચ કચેરીના મદદનીશ કમિશનર પ્રકાશ નાનકરામ પોસનાની અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી મોહનલાલ દેસાઈને રૂ. 40,000ની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
ACB પાસેથી મળતી માહિતી મુજબ, એક ફરિયાદીએ ભરૂચ ખાતે દવાના નવા હોલસેલ પરવાના માટે અરજી કરી હતી. લાયસન્સ પ્રક્રિયા અંગે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈનો સંપર્ક થતાં તેમણે રૂ. 40,000 થી રૂ. 50,000ની લાંચની માંગણી કરી હતી, જેમાં “સાહેબને આપવા પડશે” તેમ જણાવ્યું હતું.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે નર્મદા ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે, ACB દ્વારા મંગળવારે, 18 ઓગસ્ટે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
છટકા દરમિયાન, ભરૂચની FDA કચેરીમાં મદદનીશ કમિશનરની ચેમ્બરમાં બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ.40,000ની લાંચની રકમ સ્વીકારી હતી. તે જ સમયે, ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી હતી.
ACBએ જણાવ્યું કે, સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચની માંગણી અને સ્વીકાર કરવા બદલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી નર્મદા ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. વસાવાના નેતૃત્વમાં કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!