
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા કુંડોલ (પાલ) ગામમાં ૧૫ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાતા ખેડૂતો ભયભીત: વનવિભાગે રેસ્ક્યૂ કર્યું
ચોમાસાની સિઝન દરમિયાન આ વર્ષે ઓછા વરસાદના કારણે અસહ્ય બાફ અને ઉકળાટનું પ્રમાણ દિન-પ્રતિ-દિન ચોમેર વધતા ઝેરી સાપ, અજગર સહિત ઝેરી-જીવજંતુઓ ઠેર-ઠેર સીમ વિસ્તારોમાં જોવા મળતા ખેડૂતો, પશુ-પાલકો, શ્રમજીવીઓ સહિત રાહદારીઓ ભયભીત જોવા મળે છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અંતરિયાળ ડુંગરાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલ કુંડોલ (પાલ) ગામમાં મોડેપણ વિસ્તારમાં આવેલી મોડેપણ પ્રાથમિક શાળા પાસે ૧૫ ફૂટ લાંબો મહાકાય અજગર ફરતો જોવા મળતા ખેડૂતોમાં ભારે ફફડાટ અને કૂતુહલનો માહોલ સર્જાયો હતો.મોડેપણ પ્રાથમિક શાળા પાસે જ વસવાટ કરતા સ્થાનિક અસોડા પરિવારના ખેતરમાં વિશાળકાય અજગર દેખાયો હતો.
ખેતરમાં અજગર હોવાની જાણ થતા કુંડોલ (પાલ) ગ્રામ પંચાયત, સરપંચ, ખીમજીભાઈ ડામોર એ ભિલોડા વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી.વન વિભાગની સૂચના મુજબ વન રક્ષક, સ્ટાફગણ, ખેડૂતો ડામોર રમેશભાઈ, ડામોર કનુભાઈ, ભગોરા અર્જુનભાઈ, ડામોર જગદીશભાઈ સહિત ખેડૂતો અને વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ૧૫ ફૂટ લાંબા મહાકાય અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો.અજગરને કોથડામાં ભરીને ત્યાર બાદ મહાકાય અજગરને સુરક્ષિત રીતે નિર્જન જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, વિશાળ મહાકાય અજગરને જોવા માટે આજુ-બાજુના વિસ્તારના ખેડૂતો, ખેતમજુરો સહિત લોકોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા.વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનોની સમયસૂચકતાને કારણે કોઈ પણ અણબનાવ બન્યો ન હતો.મહાકાય અજગર પકડાયા બાદ ખેડૂતો, શ્રમજીવીઓ સહિત ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.





