GUJARATSAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સાયલામાં 1.5 કરોડથી વધુના દારૂ કૌભાંડમાં 1 વર્ષથી ફરાર 2 રીઢા બુટલેગરોને રાજકોટ રેન્જ ટીમે મૂળી બાયપાસથી દબોચ્યા

તા.19/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા રૂ. ૧.૫ કરોડથી વધુ કિંમતના ઇંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા બે રીઢા આરોપીઓને રાજકોટ રેન્જ આઇજીની ટીમે દબોચી લીધા છે. પકડાયેલા બંને બુટલેગરો ભૂતકાળમાં પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓ તેમજ અન્ય વિસ્તારમાં ગુનાઓ આચરીને નાસતા-ફરતા લિસ્ટેડ અને રીઢા ગુનેગારોને શોધી કાઢવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના આધારે રાજકોટ રેન્જના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમે વર્કઆઉટ શરૂ કર્યું હતું. રેન્જ ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી વોન્ટેડ આરોપીઓની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, ફતેસંગ પરમાર અને દિલીપસિંહ સિંધવને ચોક્કસ બાતમી મળી હતી કે સાયલા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૪૫૮/૨૦૨૫ પ્રોહિ. કલમ – ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબના કરોડોના વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીઓ સાયલા વિસ્તારમાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના મૂળી બાયપાસ પાસે વોચ ગોઠવીને બંને આરોપીઓને કોર્ડન કરી ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપી કનુ સાર્દુળભાઇ કરપડા રહે, ઉમરાડા, મૂળી, અને દિલીપ બાવકુભાઇ ધાધલ રહે, નાની મોલડી, ચોટીલા, સુરેન્દ્રનગર બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!