
શ્રી લોહાણા મહાજન કેશોદના સહયોગથી રઘુવીર સેના મહિલા પાંખ કેશોદ દ્વારા લોહાણા સમાજની બહેનો અને બાળકો માટે નિઃશુલ્ક દાંડીયા ક્લાસિસનું આયોજન કરવામાં આવ્યું છે. ક્લાસિસનો પ્રારંભ લોહાણા મહાજન સુંદર વાડી ખાતે કરવામાં આવેલ. નિઃશુલ્ક દાંડીયા ક્લાસિસમાં અત્યાર સુધીમાં 100થી વધુ બહેનો અને બાળકોનું રજિસ્ટ્રેશન થયું છે. ક્લાસિસનો સમય દરરોજ સાંજે 4:00થી 7:00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. તાલીમ દરમિયાન દાંડીયાના વિવિધ પ્રકારના સ્ટેપ્સ, નવીન સ્ટાઇલ, તાલમેલ તેમજ સ્ટેમિના અંગે તાલીમ આપવામાં આવશે. સમાજની બહેનો અને બાળકોને દાંડીયાની વિવિધ શૈલીઓ શીખવવા માટે ચાર બહેનો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોહાણા સમાજની બહેનો અને બાળકોમાં દાંડીયા પ્રત્યેનો ઉત્સાહ વધારવા સાથે આગામી નવરાત્રી દરમિયાન સુંદર, શિસ્તબદ્ધ અને તાલબદ્ધ રીતે દાંડીયા રમી શકે તે માટે જરૂરી તાલીમ પૂરી પાડવાનો છે. કાર્યક્રમને સમાજમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લુકકા, પ્રેમાંગભાઈ ધનેશા, જતીનભાઈ સોડા તથા કે.ટી. દેવાણી દ્વારા દીપ પ્રાગટ્ય અને રીબન કાપી દાંડીયા ક્લાસિસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ તરીકે ચૂંટાયેલા પરિવર્તન પેનલના સભ્યોનું શબ્દોથી અભિવાદન કરી તથા પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સમાજના આગેવાનો, બહેનો અને બાળકોની ઉત્સાહભેર ઉપસ્થિતિ જોવા મળી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





