ARAVALLIGUJARATMODASA

મોડાસામાં મકાનમાંથી ગુમ થયેલા રૂ.22.50 લાખના સોનાના દાગીના શોધી કાઢી ફરિયાદીને પરત કરાયા – ઘરે કામકાજ કરનાર મહિલા જ નીકળી ચોર 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં મકાનમાંથી ગુમ થયેલા રૂ.22.50 લાખના સોનાના દાગીના શોધી કાઢી ફરિયાદીને પરત કરાયા – ઘરે કામકાજ કરનાર મહિલા જ નીકળી ચોર

મોડાસા : મોડાસા શહેરના ઇકબાલ સોસાયટી વિસ્તારમાં મકાનમાંથી ગુમ થયેલા આશરે રૂ.22.50 લાખની કિંમતના સોનાના દાગીના મોડાસા ટાઉન પોલીસે શોધી કાઢી ફરિયાદીને પરત અપાવ્યા છે. પોલીસની આ કામગીરી “તેરા તુજકો અર્પણ” અંતર્ગત કરવામાં આવી હતી

અરવલ્લી જિલ્લામાં તેમજ મોડાસા શહેરમાં ચોરીના ગુનાઓ ઉપર અંકુશ લાવવા અને ચોરીના ગુનાઓ શોધી કાઢવા નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જના વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી-મોડાસાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.આ દરમિયાન મોડાસા ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીને ફરિયાદી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેમના મકાનની તિજોરીમાં રાખવામાં આવેલી 40.6 ગ્રામની સોનાની ચેઇન, 62.8 ગ્રામનો સોનાનો પાટલો અને 29.7 ગ્રામની સોનાની બંગડી ગુમ થઈ છે.

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ફરિયાદીના રહેણાંક મકાને જઈ તપાસ અને પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે તેમના ઘરે કામકાજ કરતી એક મહિલા છેલ્લા બે દિવસથી કામ પર આવી રહી ન હતી. આ હકીકતના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી સંબંધિત મહિલાના રહેણાંક મકાને પહોંચી પૂછપરછ હાથ ધરી હતી.પોલીસની પૂછપરછ દરમિયાન મહિલાએ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.ત્યારબાદ પોલીસે ચોરીમાં ગયેલા 40.6 ગ્રામની સોનાની ચેઇન, 62.8 ગ્રામનો સોનાનો પાટલો અને 29.7 ગ્રામની સોનાની બંગડી સહિત કુલ આશરે 13 તોલા સોનું, જેની કુલ કિંમત રૂ.22.50 લાખ થાય છે, તે શોધી કાઢ્યું હતું.મોડાસા ટાઉન પોલીસે મળી આવેલ સોનાના દાગીના “તેરા તુજકો અર્પણ” યોજના હેઠળ ફરિયાદીને પરત અપાવી પોલીસની કામગીરીથી ફરિયાદીને રાહત મળી હતી.

Back to top button
error: Content is protected !!