AHAVADANGGUJARAT

નવસારી જિલ્લાના નેશનલ હાઈવે-૪૮ અને હાઇવે-૫૬ પરથી ૧૬૯ દબાણો દૂર કરાયા, બ્લેક સ્પોટ સુધારવા તાકીદ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ નહિવત થાય અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા રોડ સેફ્ટી કમિટી, કાયદો અને વ્યવસ્થા તથા કોસ્ટલ સિકયુરીટીની કમિટીની તબક્કાવાર બેઠકો યોજાઈ હતી.

         જિલ્લા કલેકટર કચેરીમાં યોજાયેલી બેઠકોમાં આગામી ગણેશ મહોત્સવ, જન્માષ્ટમી અને ઈદ-એ-મિલાદના તહેવારોને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે SDMશ્રીઓ, SDPOશ્રીઓને આગોતરા આયોજન કરવા સૂચના આપી. આ ઉપરાંત કોસ્ટલ સિકયુરીટી અંગેની જરૂરી સુચનાનાઓ આપી હતી. જિલ્લા કલેકટરશ્રીએ રોડ સેફટીની બેઠકમાં નેશનલ હાઇવે-૪૮ અને નેશનલ હાઇવે-૫૬ પર અકસ્માત સંભવિત ‘બ્લેક સ્પોટ’નું નિવારણ કરવા અને રોડ પરના તમામ દબાણો તાત્કાલિક દૂર કરવા સૂચના આપી.

            જેમાં નેશનલ હાઈવે-૪૮ પર દુવાડા પાટીયા પાસે સર્વિસ રોડ ખુલ્લો કરવા અને જોખમી કટ તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યોહતો. આ ઉપરાંત સુથારવાડ પાટીયા અને આલીપોર રેલ્વે ઓવરબ્રિજ પર વાહનોની સુરક્ષા માટે મજબૂત ‘ક્રેશ બેરીયર’ મૂકવા જણાવ્યું હતુ. ગણેશ સિસોદરા ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે, જ્યારે NH-56 પર કાસબાથી મરોલી તરફના માર્ગે હાઈમાસ લાઈટો મૂકવાની સૂચના આપી હતી.

             હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે-૪૮ પરથી ૧૦૫ અને નેશનલ હાઇવે-૫૬ પરથી ૬૪ મળીને કુલ ૧૬૯ જેટલા દબાણો દૂર કરી દેવાયા છે. કલેક્ટરશ્રીએ બાકી રહેલા તમામ દબાણો પણ સત્વરે હટાવી માર્ગો ખુલ્લા કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, નેશનલ હાઈવે પર આવેલી ખાણીપીણીની હોટલોમાં લાઈસન્સનું સઘન ચેકિંગ હાથ ધરવા ફૂડ સેફ્ટી અધિકારીઓને ખાસ નિર્દેશ આપવામાં આવ્યા હતા.

           બેઠકમાં નવસારી મ્યુ.કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એન.લિખિયા, આર.ટી.ઓ. અધિકારીશ્રી આકાશ પટેલ, માર્ગ અને મકાન, હાઈવે તથા માહિતીખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!