જનસુવિધા અને ટ્રાફિક નિવારણ માટે નવસારી મનપાના મેયર અશોકભાઈ ધોરાજીયાની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
શહેરને વધુ સુવિધાજનક, સુંદર અને ટ્રાફિકમુક્ત બનાવવાના હેતુથી નવસારી મહાનગરપાલિકા દ્વારા રસ્તા વિસ્તૃતિકરણની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. આજે મનપાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ ટીમ સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી દરમિયાન નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થળ પર કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કામગીરી દરમિયાન સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
રોટરી સર્કલ પાસે રસ્તો 10.50 મીટરથી 18 મીટર પહોળો થશે
આજની મુખ્ય કામગીરી રોટરી સર્કલ, કોન્વેન્ટ સ્કૂલ નજીક આવેલા ડો. સૌરભ મેહતા ક્લિનિક આસપાસ કરવામાં આવી હતી. મનપા દ્વારા અગાઉ સંબંધિત મિલકતદારોને નોટિસ આપવામાં આવી હતી.
દુધિયા તળાવ (વોટર વર્ક્સ બિલ્ડિંગ)થી છાપરા રોડ તરફ જતા માર્ગમાં રોટરી સર્કલ તથા વલ્લભ એસ્ટેટ સર્કલ પાસે હાલનો આશરે 10.50 મીટર પહોળો રસ્તો 18 મીટર પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રસ્તારેખામાં આવતા ઓટલા, પતરાના શેડ તથા અન્ય દબાણો દૂર કરવા જી.પી.એમ.સી. એક્ટ-1949ની કલમ 210(બ) અને 212 હેઠળ નોટિસ આપવામાં આવી હતી.
નોટિસના અનુસંધાને આજે સંબંધિત સ્થળોએ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને કોઈપણ પ્રકારના ઘર્ષણ વિના કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
સર્કિટ હાઉસથી તીઘરા જકાતનાકા સુધી ‘આઇકોનિક રોડ’ની દિશામાં કામગીરી
આ ઉપરાંત સર્કિટ હાઉસથી તીઘરા જકાતનાકા (હનુમાન મંદિર) સુધીના માર્ગને પણ 18 મીટર પહોળો કરવાની કામગીરી પ્રગતિમાં છે. મંજૂર ટી.પી. પ્લાન નં. 2, 3 અને 4 મુજબ આ માર્ગનું વિસ્તૃતિકરણ કરવામાં આવી રહ્યું છે.
મનપા દ્વારા આ માર્ગને ભવિષ્યમાં નવસારીના ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રોડ લાઈનમાં આવતી કેટલીક મિલકતો, ખુલ્લી જગ્યાઓ અને કમ્પાઉન્ડ વોલનો આશરે 1 થી 1.40 મીટર જેટલો ભાગ અસરગ્રસ્ત થવાની શક્યતા હોવાથી સંબંધિત આસામીઓને અગાઉથી નોટિસ આપી જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવાયું છે.
ટ્રાફિક સમસ્યા હળવી કરવા મનપાનો મક્કમ પ્રયાસ
રસ્તાઓનું વિસ્તૃતિકરણ પૂર્ણ થયા બાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે, વાહનવ્યવહાર વધુ સરળ બનશે અને નાગરિકોને આવાગમનમાં મોટી રાહત મળશે. નવસારી મહાનગરપાલિકાએ શહેરના વિકાસ અને જનસુવિધાના હિતમાં હાથ ધરવામાં આવતી કામગીરીમાં નાગરિકો સહકાર આપે તેવી અપીલ કરી છે.
મનપા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરના સુવ્યવસ્થિત વિકાસ માટે કાયદેસરની કાર્યવાહી પારદર્શક રીતે અને તબક્કાવાર ચાલુ રાખવામાં આવશે.



