

દિપક પટેલ – ખેરગામ
ખેરગામ કુમાર શાળા PMશ્રીના સભાખંડમાં તા. 19 ઓગસ્ટના રોજ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે સરકારી યોજનાઓ અંતર્ગત નિઃશુલ્ક સહાયક ઉપકરણો માટે યોગ્યતા તપાસ અને નોંધણી કેમ્પ યોજાયો હતો. સવારે 9:30થી સાંજે 5 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પને લાભાર્થીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કેમ્પમાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાત મુજબ વ્હીલચેર, ટ્રાઇસિકલ, કૃત્રિમ અંગ, શ્રવણયંત્ર, વોકર, સ્ટિક-લાકડી, કાખઘોડી તથા ઢીંચણ સહાયક સહિતના વિવિધ સાધનો માટે યોગ્યતાની તપાસ અને ખરાઈ કરવામાં આવી હતી. ગુજરાત સરકારની દિવ્યાંગ કલ્યાણ યોજનાઓમાં દિવ્યાંગ સાધન સહાય યોજના પણ સામેલ છે.કેમ્પમાં વયોશ્રી યોજના હેઠળ 723 અને દિવ્યાંગો માટે 162 ઓફલાઈન નોંધણી કરવામાં આવી હતી. જોગવાઈ મુજબ લાયક લાભાર્થીઓ પૈકી વયોશ્રીના 232 તથા દિવ્યાંગોના 75 ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.વયોશ્રી યોજના હેઠળ 232 લાભાર્થીઓને કુલ રૂ.19,46,950ના 1,253 ઉપકરણો, જ્યારે 75 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ રૂ.9,27,441ના 128 સહાયક ઉપકરણો આપવા માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.જિલ્લા નાયબ વિકાસ અધિકારી શૈલેષ ચાવડાએ જણાવ્યું હતું કે સાધન સહાય માટે 500થી વધુ નોંધણીઓ થઈ હતી. જોકે, કેટલાક લાભાર્થીઓના જરૂરી પુરાવામાં વિસંગતતા હોવાથી તેમની પ્રક્રિયા બાકી રહી છે. જરૂરી વિગતો અધ્યતન કર્યા બાદ આવા લાભાર્થીઓની પણ સહાય માટે નોંધણી કરવામાં આવશે.ખેરગામના મામલતદાર વિજયભાઈ પટેલે સવારથી સાંજ સુધી કેમ્પમાં ઉપસ્થિત રહી સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી. મામલતદાર પોતે દિવ્યાંગ હોવાથી દિવ્યાંગજનોની મુશ્કેલીઓ અને જરૂરિયાતોને નજીકથી સમજી લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળે તે માટે કામગીરી પર વિશેષ ધ્યાન આપ્યું હતું. નાયબ મામલતદાર ભાવેશભાઈ પટેલ સહિત સેવાસદનનો સ્ટાફ, તાલુકા કક્ષાનો સ્ટાફ, તલાટી, સરપંચો તેમજ અન્ય કર્મચારીઓએ કેમ્પની કામગીરીમાં સહયોગ આપ્યો હતો. તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી સરકારી સહાય મેળવવા માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને તેમની જરૂરિયાત મુજબ સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાની આ પહેલને ખેરગામ તાલુકામાં સારો પ્રતિસાદ મળ્યો હતો.


