શ્રાવણમાં રાજકોટ બન્યું ‘શિવમય’: સવાલક્ષ પાર્થેશ્વર પૂજાથી ગુંજી રહ્યું રામેશ્વર ધામ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ તાલુકાના રાજકોટ ગામે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિનો અનોખો માહોલ — દરરોજ 4,500 શિવલિંગનું નિર્માણ, સવાલક્ષ પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગ મહાપૂજામાં ઉમટી રહ્યા ભાવિકો
રાજકોટ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે થરાદ તાલુકાના રાજકોટ ગામે આવેલું શ્રી રામેશ્વર મહાદેવ મંદિર હાલ શિવભક્તિથી ગુંજી રહ્યું છે. શ્રી રામેશ્વર મહાદેવ રાજકોટ ધામ ખાતે પાર્થેશ્વર પૂજા-અર્ચના તેમજ સવાલક્ષ પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગ મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
દરરોજ બપોરે 12થી 3 વાગ્યા સુધી પૂજા-અર્ચના યોજાઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ ભગવાન ભોળેનાથના દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ આશરે 4,500 પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.
શ્રાવણના સોમવારના દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 108 દીવડાની ભવ્ય આરતી કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રાવણના ચારેય સોમવારે રાત્રિના સમયે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભજન-કીર્તનના સૂર સાથે ભક્તિમય વાતાવરણ સર્જાઈ રહ્યું છે.
આગામી અમાસના પવિત્ર દિવસે મહાયજ્ઞ અને મહાઆરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક કાર્યક્રમમાં વધુમાં વધુ ભક્તો જોડાય અને ભગવાન શિવના આશીર્વાદ મેળવે તે માટે રાજકોટ ગામના ગ્રામજનો દ્વારા સમગ્ર આયોજનમાં ઉત્સાહપૂર્વક સહયોગ આપવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર ધાર્મિક આયોજનમાં શાસ્ત્રી સંજયભાઈ કરશનલાલ અને શાસ્ત્રી ધવલભાઈ અર્જુનલાલ દ્વારા ધાર્મિક વિધિ અને પૂજા-અર્ચનાનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ગ્રામજનોના સહયોગથી યોજાઈ રહેલા આ ધાર્મિક આયોજનને લઈને રાજકોટ સહિત આસપાસના વિસ્તારમાં પણ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




