AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાવનગર ખાતે લઠ્ઠાકાંડના પીડિતોની લીધી મુલાકાત

ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશના નેતા રાજુભાઈ સોલંકી તથા બ્રિજરાજ સોલંકીએ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે પીડિતોની લીધી મુલાકાત
ગુજરાતની જનતાને વિનંતી કે નાની ઉંમરમાં વિધવા બનવાથી આપણી બહેન દીકરીઓને બચાવી લો: ગોપાલ ઇટાલીયા
ભાવનગર
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય સહ સચિવ રાજુભાઈ સોલંકી અને પ્રદેશ યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે લઠ્ઠાકાંડના પીડિતોની મુલાકાત લીધી હતી. આ તકે પત્રકારોને સંબોધતા ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં બનેલા લઠ્ઠાકાંડના અનુસંધાનમાં જે પીડિતો હોસ્પિટલમાં દાખલ છે, તેમની મેં મુલાકાત લીધી, ખબર-અંતર પૂછ્યા અને પ્રશ્નો પૂછીને જાણવાની કોશિશ કરી કે તેઓ શું કહેવા માંગે છે. ગુજરાતમાં અને એમાંય ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એ દુઃખની બાબત છે, પણ તેના કરતાંય વધુ દુઃખ એ વાતનું છે કે આજથી ત્રણેક વર્ષ પહેલાં આ જ જગ્યાએ બેસીને બોટાદ-બરવાળાના લઠ્ઠાકાંડ બાબતે મેં ગળું ફાડી-ફાડીને કહ્યું હતું કે આ સરકાર આપણા નિર્દોષ યુવાનોનો ભોગ લે છે. આજે ત્રણ વર્ષ પછી ફરીથી એ જ સરકારી ભાવનગર હોસ્પિટલનું એ જ બિલ્ડિંગ, એ જ ત્રીજા માળનો એ જ વોર્ડ અને એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ સુતા છે; બસ ત્યારે એ દર્દીઓ બોટાદના હતા. દર વર્ષે અલગ-અલગ જિલ્લાઓમાં લઠ્ઠાકાંડ થાય છે અને હજારો બહેનો નાની ઉંમરે વિધવા બને છે. આ રાજ્યની સરકાર હિંદુઓના નામે મત માંગે છે, ત્યારે ગુજરાત સરકારના રીલ બનાવતા ગૃહમંત્રીને પૂછવું છે કે આ આવતી રક્ષાબંધને જે બહેનોના ભાઈઓ આ રોયલ સ્ટેગ દારૂ પીવાથી છીનવાઈ ગયા છે, તેમના ભાઈઓને તેઓ પાછા લાવી શકશે? હિંદુ-મુસલમાન કરીને હિંદુઓના દીકરાઓને ઝેરી દારૂ પીવડાવીને મારી નાખવામાં આવે છે. ગાંધીનગરમાં બેઠેલા ગૃહ વિભાગના મંત્રીને પૂછવું છે કે રક્ષાબંધન આવે છે ત્યારે બહેન ક્યાં રાખડી બાંધવા જશે, કયા ઘરે જશે અને કયા હાથે રાખડી બાંધશે? આ બહેનો, માતાઓ અને ભાણીઓની પીડા ગાંધીનગર સુધી પહોંચવાની છે કે નહીં? જો આ પીડા ગાંધીનગર પહોંચતી હોત, તો બરવાળા-બોટાદના લઠ્ઠાકાંડ પછી આ બીજો લઠ્ઠાકાંડ ન બન્યો હોત. દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર કે મંત્રીઓ એકસાથે કડક કાર્યવાહીના નાટકો કરે છે, કમિશન બનાવવાની અને કોઈને નહીં છોડવાની વાતો કરે છે. મારો ભાવનગરના એસપી અને આઈજીને સીધો પ્રશ્ન છે કે બોટાદના લઠ્ઠાકાંડના આરોપીઓને ક્યાં ફાંસીએ ચડાવ્યા તેનો હિસાબ આપો. જો તમે એકલા જ ઈમાનદાર અને હરિશ્ચંદ્રના વારસદારો હોવ, તો બોટાદના આરોપીઓને કઈ સજા કરાવી તેનો જરાક હિસાબ આપો! ઘટના પછી ઘટનાઓ બનતી રહે, નિર્દોષ યુવાનોના ભોગ લેવાતા રહે અને સરકાર માત્ર વાતો કર્યા કરે એ કેટલું દુઃખદ છે.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં નકલી ઈંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થઈ ગયું છે અને બધા જ જિલ્લાઓમાં ફેક્ટરીઓ ચાલે છે. બોટાદ લઠ્ઠાકાંડ વખતે પણ અમદાવાદની ફેક્ટરીમાંથી ઈથનોલ લાવવામાં આવ્યું હતું અને ભાવનગરમાં દારૂ બન્યો ત્યારે પણ અમદાવાદથી જ ઈથનોલ લાવવામાં આવ્યું હતું. સરકાર કડક હાથે કામ લેવાનો દાવો કરે છે, પણ આ કડક હાથે કામ કોની સામે લેવાય છે, જનતા સામે કે બૂટલેગરો સામે? અગાઉના લઠ્ઠાકાંડ વખતે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે હવે પછી દાખલારૂપ કડક કાર્યવાહી થશે, પરંતુ બૂટલેગરો તો મંત્રી કે સરકારને ઘોળીને પી ગયા છે અને તેમને કોઈનો ડર જ રહ્યો નથી. આ પરિસ્થિતિમાં આપણી બહેન-દીકરીઓનો શું વાંક? આજુબાજુવાળા તો કહે છે કે આ દાદાની સરકાર છે, પરંતુ દાદા એવા હોય જે પોતાની દીકરીના પતિ કે ભાઈને મારી નાખે? દાદાની સરકાર તો દયાળુ હોવી જોઈએ, જ્યાં દારૂ તો શું પણ પાણી પણ ખરાબ ન આવવું જોઈએ! એના બદલે અહીં તો દર વર્ષે લઠ્ઠાકાંડની લોલમલોલ ચાલે છે. સૌથી દુઃખનો વિષય એ છે કે આપણા રાજ્યમાં ગુંડાઓ, તોડબાજો અને માફિયાઓ આગળ ચાલે છે અને સરકાર તેમની પાછળ ચાલે છે. લઠ્ઠાકાંડ થાય એટલે અઠવાડિયા સુધી ડ્રાઈવ ચલાવે, દારૂ ન મળે અને જેવું બધું નોર્મલ થાય એટલે પાછા દારૂના અડ્ડાઓ શરૂ થઇ જાય છે. મેં પોતે પોલીસમાં નોકરી કરી છે એટલે ગૃહમંત્રીને કહું છું કે જો તમે ઈમાનદારીથી પગલાં લેવા માંગતા હોવ તો વહિવટદારોનું લિસ્ટ હું ગોપાલ ઈટાલિયા આપું છું. કયા જિલ્લામાં એલસીબી, એસઓજી કે ક્રાઈમ બ્રાન્ચના કયા વહિવટદારો ક્યાંથી પૈસા કમાય છે તેની તમામ ડિટેલ મારી પાસે છે. તેઓ કરોડો રૂપિયાના હપ્તા ઉઘરાવીને કમલમ સુધી પહોંચાડે છે અને લોકોને મરવા માટે છોડી દે છે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતુ કે માણસને મારવાની દવાઓ આખા રાજ્યમાં ઉપલબ્ધ છે પણ જીવ બચાવવાની ટીકડીઓ ભાવનગરમાં મળતી નથી, જે અમાનવીયતાનું સ્પષ્ટ ઉદાહરણ છે. એસપી અને કલેક્ટર પોતાના પ્રમોશન અને મલાઈદાર પોસ્ટીંગના ચક્કરમાં ભાન ભૂલી ગયા છે અને શબ્દચાલાકી કરીને એને ‘લઠ્ઠાકાંડ’ના બદલે ‘કેમિકલવાળો દારૂ’ ગણાવે છે. કાયદાની વ્યાખ્યા બાજુ પર મૂકીને માણસની ભાષામાં બોલો કે આને ’કમોત’ કહેવાય કે નહીં? જો અંગ્રેજો જેવું જ વર્તન કરવાનું હોય તો આવી આઝાદીનો શું ફાયદો? દર વખતે બે-ત્રણ કોન્સ્ટેબલ કે પીઆઈને સસ્પેન્ડ કરીને સરકાર કડક નેતા હોવાની જાહેરાત કરે છે. જો સરકાર ગંભીર હોય તો ભાવનગરના એસપી અને છેલ્લા દસ વર્ષમાં રહી ગયેલા એલસીબી પીઆઈની મિલકતોની તપાસ કરાવીને તેનો રિપોર્ટ જાહેર કરે. બોટાદ લઠ્ઠાકાંડમાં બદલી થયેલા તમામ પોલીસવાળા અને એસપી પાછા નોકરી પર લાગી ગયા, જે દર્શાવે છે કે સરકારને બૂટલેગરો પ્રત્યે કેટલો લગાવ છે! હોસ્પિટલમાં જ્યારે મેં દર્દીઓને પૂછ્યું ત્યારે પોલીસે તેમને પઢાવી રાખ્યા હતા કે ‘અમે ભાવનગરથી નથી પીધો, વાપીથી પીધો છે’ અથવા ‘તબિયત સારી છે’. પોપટની જેમ બોલતા આ દર્દીઓ પાછળ હદનું તુત ચાલી રહ્યું છે અને આટલી મોટી ઘટનાને છુપાવવાની કોશિશ થઈ રહી છે. સરકારમાં તો શરમ નથી પણ એસપી-કલેક્ટરમાં હોવી જોઈએ. આ સરકાર બિનસંવેદનશીલ છે અને તેમના આત્મા મરી ગયા છે, તેઓ રાજીનામું નહીં આપે. તેથી મારી ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી છે કે આપણી બહેન-દીકરીઓને બચાવવા માટે આપણે પોતે જાગવું પડશે અને આ લોકોને યોગ્ય પાઠ ભણાવવો પડશે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતોની સાથે લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર મૃતકોના નિવાસસ્થાને જઈને તેમના શોકગ્રસ્ત પરિવારોની વિશેષ મુલાકાત લીધી હતી. આ દુઃખદ સમયે તેમણે સ્વજનો ગુમાવનારા પીડિત પરિવારોને વ્યક્તિગત રીતે મળીને સાંત્વના પાઠવી હતી અને તેમની ગંભીર પરિસ્થિતિ વિશે સહાનુભૂતિપૂર્વક જાણકારી મેળવી હતી. પરિવારજનોની વેદના અને આંસુ જોઈને તેમણે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને આ મુશ્કેલ સમયમાં તેમની સાથે મજબૂતીથી ઊભા રહેવાની ખાતરી આપી હતી.









