GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER વાંકાનેર ભલગામના ગરીબ પરિવારોને ૧૦૦ ચોરસ વારના પ્લોટ માટે રજૂઆત : TDO દ્વારા તાત્કાલિક નિકાલની ખાતરી

 

WAKANER વાંકાનેર ભલગામના ગરીબ પરિવારોને ૧૦૦ ચોરસ વારના પ્લોટ માટે રજૂઆત : TDO દ્વારા તાત્કાલિક નિકાલની ખાતરી

 

વાંકાનેર, તા. ૨૪: વાંકાનેર તાલુકાના ભલગામ ગામના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રહેણાંક હેતુસર ૧૦૦ ચોરસ વારના મફત પ્લોટ ફાળવવા અંગે ગ્રામજનોએ આજે તા. ૨૪ ઓગસ્ટે તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિત સામૂહિક રજૂઆત કરી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, પ્લોટ ફાળવણી અંગે અગાઉ સરપંચ, તલાટી-કમ-મંત્રી તથા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ વારંવાર અરજીઓ કરવામાં આવી હતી. તેમ છતાં અરજીઓ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય કે લેખિત જવાબ ન મળતાં આજે ફરીથી રજૂઆત કરવામાં આવી હતી.

ગ્રામજનોએ નિયમો મુજબ જરૂરી તપાસ હાથ ધરી પાત્ર લાભાર્થી પરિવારોને વહેલી તકે પ્લોટ ફાળવવા માંગ કરી હતી. સાથે જ જો કોઈ અરજદાર પ્લોટ મેળવવા પાત્ર ન હોય તો તે અંગેનું કારણ પણ લેખિતમાં જણાવવા વિનંતી કરવામાં આવી હતી, જેથી જરૂર પડે તો અરજદારો કાયદેસરની આગળની કાર્યવાહી કરી શકે. TDO તરફથી હકારાત્મક આશ્વાસન

રજૂઆતને પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામજનોની માંગણીને હકારાત્મક અભિગમથી સાંભળવામાં આવી હતી. અધિકારીએ સરકાર સમક્ષ ભલગામના આ પ્રશ્નની દરખાસ્તને યોગ્ય પ્રાધાન્ય આપવામાં આવે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમજ ગ્રામજનોએ કરેલી લેખિત રજૂઆતનો તાત્કાલિક નિકાલ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

લાંબા સમયથી પ્લોટની આશા રાખી રહેલા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે અધિકારી તરફથી મળેલું આ આશ્વાસન રાહતરૂપ બન્યું છે. હવે સરકાર અને તાલુકા તંત્રની કાર્યવાહી બાદ પાત્ર પરિવારોને તેમના હક મુજબ રહેણાંક માટે પ્લોટ ફાળવાય તેવી ગ્રામજનોમાં આશા જાગી છે.

Back to top button
error: Content is protected !!