
નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે જવાહર નવોદય વિદ્યાલય તિલકવાડા અને રોઝાનાર ગામની મુલાકાત લીધી
રાજપીપલા : જુનેદ ખત્રી
જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે આજરોજ જવાહર નવોદય વિદ્યાલય, તિલકવાડા તથા રોઝાનાર ગામની મુલાકાત લઈ શૈક્ષણિક, માળખાકીય અને ગ્રામ્ય સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરી હતી.
જવાહર નવોદય વિદ્યાલયની મુલાકાત દરમિયાન શાળાના પ્રિન્સિપાલ ડો. મંજુ ઝાએ જિલ્લા કલેક્ટરનું સ્વાગત કરી આવકાર્યા હતા.વિદ્યા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી શાળાની શૈક્ષણિક વ્યવસ્થા, માળખાકીય સુવિધાઓ તથા વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સલાહ અને સૂચનો કર્યા હતા.

જિલ્લા કલેક્ટરએ શાળાની ભૌતિક પ્રયોગશાળાનું રિબીન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે પ્રયોગશાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સ નિહાળ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ પાસેથી પ્રોજેક્ટ્સ અંગે માહિતી મેળવી તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ અભ્યાસની સાથે પ્રાયોગિક જ્ઞાનનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા કલેક્ટરએ શાળાના કરિયર કાઉન્સેલિંગ રૂમ સહિત સમગ્ર કેમ્પસની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. શાળાના સ્ટાફ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા સ્ટાફની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન અને સલાહ-સૂચનો આપ્યા હતા.
ત્યારબાદ જિલ્લા કલેક્ટરે રોઝાનાર ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને તેમના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. ગામમાં આંગણવાડી, આરોગ્ય, શિક્ષણ તેમજ પીવાના પાણી સહિતની વિવિધ મૂળભૂત સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.


