NANDODNARMADA

નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં ૭૭ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ

નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં ૭૭ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ

 

રાજપીપળા ; જુનેદ ખત્રી

 

 

નર્મદા જિલ્લામાં ૭૭ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ગોરા ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વન મહોત્સવ એટલે માત્ર વૃક્ષ વાવવાનો ઉત્સવ નહીં, પરંતુ વૃક્ષોના ઉછેર અને જતનની જવાબદારીનો ઉત્સવ છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે. પર્યાવરણનું સંરક્ષણ અને વૃક્ષારોપણ પણ આ સંકલ્પનો મહત્વપૂર્ણ હિસ્સો છે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રકૃતિ છે તો મનુષ્યનું અસ્તિત્વ છે. તેથી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાની સાથે તેમનું જતન કરવું એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. ઘર, ગામ તથા ખેતરની આસપાસ વૃક્ષો વાવવાથી પર્યાવરણની સુંદરતા વધે છે તેમજ પર્યાવરણ અને માનવજીવનને અનેકવિધ લાભ મળે છે.

નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે વૃક્ષો અને પર્યાવરણના મહત્વ અંગે વિસ્તૃત જાણકારી આપતાં નર્મદા જિલ્લાને વધુ હરિયાળો અને પર્યાવરણપ્રેમી જિલ્લો બનાવવા સૌને સહભાગી થવા આહ્વાન કર્યું હતું.

 

જિલ્લા કલેકટર ગંગાસિંઘે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાના વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વૃક્ષારોપણ તથા વૃક્ષોના જતન અંગે જાગૃતિ લાવવાનો છે. તેમણે નાગરિકોને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્લા કક્ષાએ ઊભા કરવામાં આવેલા ‘વન કવચ’ની મુલાકાત લેવા તેમજ વન વિભાગનો સંપર્ક કરી વૃક્ષારોપણ અને ઉછેરની પ્રવૃત્તિમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!