
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા – સ્વયંભૂ ભોલેનાથ અને ભૃગુકુંડની અમર કથાનું સ્થાન ભિલોડાનું આધ્યાત્મિક રત્ન ભવનાથ મંદિર,આધ્યાત્મિક અને કુદરતી સુંદરતાનું પ્રતીક એવું ભવનાથ મંદિર
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકથી માત્ર આઠ કિલોમીટર દૂર, અરવલ્લીની ગિરિમાળાઓ અને હાથમતી તેમજ ઇન્દ્રાસી ડેમની વચ્ચે ભગવાન ભોલેનાથનું જૂનું ભવનાથ મંદિર આવેલું છે. પાંચ હજાર વર્ષ જૂનું આ પ્રાચીન શિવ મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલું છે. વર્ષો પહેલાં અહીં મોટું જંગલ હતું, જેમાં ઋષિઓના આશ્રમો આવેલા હતા. આ જંગલમાં એક કરમદીનું ઝાડ હતું. તે જરામાંથી જ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા

આ જંગલમાં નજીકના ગામડાનો એક રબારી દરરોજ ગાયો ચરાવવા આવતો હતો. એ ગાયોમાંથી કોઈ એક ગાય જરા પાસે આવીને ઊભી રહેતી અને તેનું સઘળું દૂધ મહાદેવ પર જતું હતું. એક દિવસ રબારીએ છુપાઈને જોયું તો ગાય મહાદેવના શિવલિંગ ઉપર ઊભી રહેતી અને દૂધની ધારા આપમેળે શિવલિંગ ઉપર વહેતી હતી. આ અદ્ભુત ઘટના રબારીએ ગામલોકોને કહી. ત્યારબાદ આખા ગામે શિવલિંગ પરના ઝાડી-ઝાખરા હટાવીને જગ્યા સાફ કરી. તે દિવસથી બ્રાહ્મણોએ સેવા શરૂ કરી અને ત્યારથી આ શિવલિંગ જૂના ભવનાથ ભુવનેશ્વર મહાદેવ તરીકે પૂજાવા માંડ્યું.આ મંદિર આધ્યાત્મિક અને કુદરતી સૌંદર્યનું પણ અદ્ભુત પ્રતીક છે. અરવલ્લીની હરિયાળી પર્વતમાળાઓ, હાથમતી અને ઇન્દ્રાસી ડેમની શાંત જલરાશિ વચ્ચે આવેલું આ સ્થાન ભક્તોને અંતરની શાંતિ અને પ્રકૃતિની નિકટતા એકસાથે અનુભવાડે છે. શ્રાવણ માસમાં તો અહીં ભક્તિભાવનો વિશેષ માહોલ છવાઈ જાય છે. ભોલેનાથના ભક્તો દૂર-દૂરથી આવીને અભિષેક કરે છે અને મનની શાંતિ મેળવે છે.
આ ઉપરાંત અહીં ભૃગુ કુંડ પણ આવેલો છે. વર્ષો પહેલાં અહીં ચ્યવન ઋષિ તપસ્યા કરતા હતા. તે સમયે કાશી નગરના શયોતિ રાજા પોતાના સહકુટુંબ સાથે જાત્રાએ નીકળ્યા હતા. શામલાજીની જાત્રા કરીને તેઓ ભુવનેશ્વર મહાદેવ પાસે આવ્યા અને ત્યાં મુકામ કર્યો. એક દિવસ રાજાની કુંવરી સુકન્યા સખીઓ સાથે ફરવા નીકળી. ફરતાં-ફરતાં તે ઋષિ તપ કરતા હતા ત્યાં આવી. ઋષિના દેહ પર માટીનો મોટો રાફડો બંધાયો હતો, તેથી તેમનું શરીર માત્ર બે આંખો સિવાય સંપૂર્ણ માટીથી ઢંકાયેલું હતું. સુકન્યાને રાફડામાં ચળકતો પદાર્થ દેખાયો. શું હશે તે જાણવાની ઉત્સુકતાથી તેણે દર્ભની સળીથી તેને વીંધી નાખ્યો. તેમાંથી રુધિરનો પ્રવાહ નીકળ્યો. સુકન્યા ભયભીત થઈને પિતાના પડાવ તરફ દોડી ગઈ.શરીરને રક્ષણ આપનારી આંખો જતી રહેતાં ઋષિએ રાજાને શ્રાપ આપ્યો. રાજાના સૈન્યમાં એક જાતનો રોગ ફાટી નીકળ્યો અને સૈનિકોનો નાશ થવા લાગ્યો. રાજા ખૂબ ગભરાયા અને કારણ શોધતાં સુકન્યાની વાત જાણી. તેમણે ઋષિના આશ્રમે આવીને ક્ષમા માગી. ઋષિએ કહ્યું કે હું આંખે અંધ છું, તેથી મારી સેવા માટે તમારી પુત્રીની માગણી કરું છું. રાજાએ તાત્કાલિક પોતાની પુત્રીને ઋષિ સાથે પરણાવી. તે જ સમયે રાજાનું સૈન્ય પૂર્વની માફક સ્વસ્થ થયું અને રાજા પોતાના દેશ તરફ વિદાય થયા.સુકન્યાની નિષ્ઠાપૂર્વકની સેવાથી ઋષિ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા કે આ કુંડના જળમાં સ્નાન કરવાથી અને કુંડની માટી શરીરે લગાવવાથી ચામડીના સર્વ રોગોમાંથી મુક્તિ મળશે. ત્યારથી અનેક લોકો આ કુંડની માટી લઈ જાય છે અને ચામડીના રોગોમાંથી મુક્તિ મેળવે છે.આમ, ભવનાથ મંદિર અને ભૃગુ કુંડ ધાર્મિક સ્થાન અને ઇતિહાસ, આધ્યાત્મિકતા અને કુદરતી સૌંદર્યનું અદ્ભુત સંગમ છે. શ્રાવણ માસમાં અહીં આવીને ભક્તો મહાદેવની કૃપા અને પ્રકૃતિની શાંતિ બંનેનો અનુભવ કરી શકે છે.



