GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સંસ્કૃત સપ્તાહ વિશેષ: ‘સંસ્કૃતમય ગુજરાત’નું સ્વપ્ન સાકાર કરતું રાજકોટનું ‘સંસ્કૃત શક્તિ ગુરૂકુળ ’: વૈદિક જ્ઞાન સાથે આધુનિક શિક્ષણનું ઉત્કૃષ્ટ મોડેલ

તા.૨૪/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સંસ્કૃત ભાષામાં અભ્યાસ સાથે શિસ્ત અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ એટલે રાજકોટનું સાંદીપનિ મણિદ્વીપ સંસ્કૃત વિદ્યાલય

સંસ્કૃત શક્તિ યોજના હેઠળ હાલ ધોરણ ૬ થી ૮નું સંસ્કૃત ભાષામાં અપાઈ રહ્યું છે શિક્ષણ

ગુરૂજીની નિશ્રામાં બાળકોનું ઘડતર: વેદ-શાસ્ત્રોના પાઠ સાથે યોગ, આરતી અને સંધ્યાવંદનથી થઈ રહ્યું છે સંસ્કારોનું સિંચન

આલેખન – હેમાલી ભટ્ટ

Rajkot: સંસ્કૃત ભાષાના ગૌરવ અને વૈભવને પુનર્જીવિત કરવા માટે રાજ્યભરમાં ‘સંસ્કૃત સપ્તાહ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે વાત કરીશું, રાજકોટમાં વૈદિક સંસ્કારો અને અર્વાચીન શિક્ષણ માટે કાર્યરત અનોખી સંસ્થા ‘સંસ્કૃત શક્તિ ગુરૂકુળ’ વિશે….

કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘સંસ્કૃત શક્તિ ગુરૂકુળ’ (સાંદીપનિ મણિદ્વીપ સંસ્કૃત વિદ્યાલય) પ્રાચીન ગુરુકુળ પરંપરા અને અર્વાચીન શિક્ષણનો સમન્વય સર્જી રહ્યું છે.

સંસ્થાના આચાર્ય શ્રી અક્ષયભાઈ જોષીના જણાવ્યા મુજબ, સંસ્થા દ્વારા ‘સંસ્કૃત શક્તિ યોજના’ હેઠળ હાલમાં ધોરણ ૬, ૭ અને ૮ ના વર્ગો સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં દર વર્ષે એક નવું ધોરણ ઉમેરીને ભવિષ્યમાં ધોરણ ૧૨ સુધી વિસ્તરણનું આયોજન છે.

ગુરૂકુળમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિશેષ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સંસ્કૃત વ્યાકરણના શિક્ષણ માટે ‘અનિવાર્ય સંસ્કૃત-૧’ અને વેદમંત્રો, શાસ્ત્રમંત્રો તથા શ્લોક શુદ્ધ ઉચ્ચારણ માટે ‘અનિવાર્ય સંસ્કૃત-૨’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત વૈદિક ગણિત દ્વારા રિઝનિંગ શીખવવામાં આવે છે, વિજ્ઞાન વિષય અંતર્ગત જ્યોતિષ અને ખગોળશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોનું જ્ઞાન આપવામાં આવે છે, તેમજ સામાજિક વિજ્ઞાનમાં રાજાઓ, ઋષિમુનિઓ અને શાસ્ત્રકારોના જીવન-ચરિત્ર સાથે આધુનિક ભૂગોળનો સમન્વય કરીને વિદ્યા આપવામાં આવે છે.

આ ગુરૂકુળમાં વિદ્યાર્થીઓ ગુરૂજીની નિશ્રામાં વેદ-શાસ્ત્રોના અધ્યયન સાથે રોજિંદા યોગ, આરતી અને સંધ્યાવંદન દ્વારા શિસ્ત તેમજ સંસ્કાર શીખી રહ્યા છે.

વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ ઘડતરના પરિણામે સંસ્થાએ અનેક ગૌરવપૂર્ણ સિદ્ધિઓ મેળવી છે. વર્ષ ૨૦૨૫ની ગૌરવ યાત્રામાં વિશિષ્ટ પ્રદર્શની બદલ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંસ્થાને સન્માન તથા શીલ્ડ પ્રાપ્ત થયું હતું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત ‘શત સુભાષિત કંઠપાઠ યોજના’માં ૧૦૦ શ્લોકો કંઠસ્થ કરનાર વિદ્યાલયના ૫ વિદ્યાર્થીઓનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજનામાં સંસ્થાએ પ્રથમ અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, તેમજ સી.આર.સી અને બી.આર.સી. કક્ષાએ યોજાયેલ સંસ્કૃત ભાષણ, સુભાષિત અને સ્તોત્રગાન સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કૃત ભાષા, સાહિત્ય, ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનના પ્રચાર-પ્રસાર માટે સામાજિક ભાગીદારીથી કાર્યરત સંસ્કૃત શક્તિ ગુરૂકુળમાં વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસ માટે અત્યાધુનિક ભૌતિક અને શૈક્ષણિક સુવિધા, નિવાસી છાત્રાલયની સુવિધાઓ, રમતગમત સહિતની ઇત્તર પ્રવૃત્તિઓ તેમજ જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર વગેરે કૌશલ્ય પ્રશિક્ષણની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

મણિદ્વીપ સંસ્કૃત વિદ્યાલય જેવાં ગુરૂકુળ થકી વિદ્યા અને સંસ્કારોની આ જ્યોત નવી પેઢી સુધી પહોંચી રહી છે. આધુનિક યુગમાં આપણી દેવવાણી

સંસ્કૃત અને વૈદિક જ્ઞાનને જીવંત બનાવતા આ ગુરુકુળ ‘સંસ્કૃતમય ગુજરાત’નું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે

Back to top button
error: Content is protected !!