GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાનું ‘વિરાસતથી વિકાસ લોકમેળો ૨૦૨૬’ નામકરણ

તા.૨૪/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ઈમરજન્સીને પહોંચી વળવા મેળામાં સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનાવશે: એ.આઈ. બેઝ્ડ સિસ્ટમ અને ડ્રોન કેમેરાથી સતત નિરીક્ષણ કરાશે

રાજકોટના લોકમેળાની તૈયારી અંગે મીડિયાને માહિતી આપતા જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ

તા. ૨થી ૬ સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્સ ખાતે ભવ્ય આયોજન; તમામ તૈયારીઓ આખરી તબક્કામાં

Rajkot: રાજકોટમાં પરંપરાગત રીતે યોજાતા જન્માષ્ટમીના લોકમેળાનું આ વર્ષે ‘વિરાસતથી વિકાસ લોકમેળો- ૨૦૨૬’ નામકરણ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે આજે ક્લેક્ટર કચેરી ખાતે મીડિયાને આ માહિતી આપી હતી.

પત્રકારોને સંબોધતા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકપ્રિય અને અતિ વિખ્યાત જન્માષ્ટમીના લોકમેળાનું આ વર્ષે પણ ભવ્ય અને સુરક્ષિત આયોજન કરવા માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણતાના આરે છે. રેસકોર્સ મેદાન ખાતે આગામી તારીખ ૨ થી ૬ સપ્ટેમ્બર (રાંધણ છઠ્ઠથી દશમ) દરમિયાન આ લોકમેળો યોજાશે.

તેમણે કહ્યું હતું કે, લોકમેળાના નામકરણ માટે રાજકોટવાસીઓ પાસેથી સૂચનો મંગાવાયા હતા. આશરે ૪૫૦૦ અરજીઓમાંથી ૧૦૦ નામો શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા અને આ વર્ષે ‘વિરાસતથી વિકાસ લોકમેળો-૨૦૨૬’ નામ રાખવામાં આવ્યું છે. રાજકોટના નાગરિક શ્રી અજય રતિભાઈ કુકડિયા દ્વારા આ નામ સૂચવવામાં આવ્યું છે.

મેળાના આયોજન અને વિવિધ સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપતા જણાવાયું છે કે, પ્લોટ અને સ્ટોલની ફાળવણી, ડ્રો તેમજ હરાજીની તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે પૂર્ણ કરી દેવામાં આવી છે. યાંત્રિક રાઇડ્સ (કેટેગરી E, F, G, H)ના ૩૪ પ્લોટ, આઇસક્રીમ (કેટેગરી X)ના ૧૭ પ્લોટ, ખાણી-પીણીના મોટા પ્લોટ (કેટેગરી A) તેમજ કોર્નર પ્લોટ (કેટેગરી B1)ના પ્લોટની ફાળવણી અને અલોટમેન્ટ લેટર આપી દેવાયા છે. અત્યાર સુધીમાં પ્લોટ અને સ્ટોલની હરાજી પેટે લોકમેળા સમિતિને રૂ. ૩૬૪ લાખની આવક થઈ છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેળાના સ્થળે પ્લોટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વિવિધ વિભાગોના કંટ્રોલ રૂમ, ડોમ અને મંડપો બનાવવાની તથા પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ કનેક્શન આપવાની કામગીરી પ્રગતિમાં છે. યાંત્રિક રાઇડ્સ માટે સુરક્ષા ચકાસણી, લાયસન્સ અને ઇન્સ્પેક્શન સમિતિ દ્વારા રાઇડ સેફ્ટીના તમામ પાસાંઓની ચકાસણી કરીને જ મંજૂરી આપવામાં આવશે.

સુરક્ષા, મોનિટરિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે કલેકટરશ્રીએ મહત્વની વિગતો આપી હતી. લોકમેળામાં આવતા લાખો દર્શનાર્થીઓની સુરક્ષા માટે ટેન્ડર પ્રક્રિયાઓ (સિક્યુરિટી, ડ્રોન, વિડીયોગ્રાફી, સિવિલ અને મંડપ કામગીરી) પૂર્ણ કરી દેવાઈ છે.

વીમા કવચ: આકસ્મિક આપત્તિના બચાવરૂપે રૂ. ૧૦ કરોડનો પબ્લિક લાયબિલિટી વીમો અને રૂ. ૨ કરોડનો ઇવેન્ટ કેન્સિલેશન વીમો લેવામાં આવ્યો છે.

સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ: ઇમરજન્સી અને આકસ્મિક બનાવને પહોંચી વળવા સેન્ટ્રલ કંટ્રોલ રૂમની સ્થાપના કરાશે, જ્યાં તમામ વિભાગોના સિનિયર અધિકારીઓ ચોવીસે કલાક કોઓર્ડિનેશનમાં રહેશે.

ડિઝાસ્ટર કોરિડોર: કટોકટીના સમયે બચાવ કામગીરી અવરોધાય નહીં તે માટે એક સમર્પિત ‘ડિઝાસ્ટર કોરિડોર’ બનાવવામાં આવ્યો છે.

એ.આઈ. સર્વેલન્સ અને ડ્રોન: મેળામાં ક્રાઉડ મોનિટરિંગ અને મૂવમેન્ટ પર નજર રાખવા એ.આઈ. (AI) બેઝ્ડ સિસ્ટમ અને ડ્રોન કેમેરાથી સતત નિરીક્ષણ કરાશે.

મોકડ્રિલ: એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ક્યુ.આર.ટી. ટીમ દ્વારા સ્થળ પર મોકડ્રિલનું આયોજન કરી સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, મેળામાં દરરોજ સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન સ્થાનિક ૪૦ જેટલા કલાકારો (ગાયકો, લોકસાહિત્યકારો/ડાયરાના કલાકારો અને નૃત્ય વૃંદો)ને પોતાની પ્રસ્તુતિ માટે સ્ટેજ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.

મુખ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું આયોજન નીચે મુજબ રહેશે:

૨ સપ્ટેમ્બર: શ્રી ગોપાલ ભરવાડ (તથા નેવી બેન્ડ દ્વારા ભવ્ય પ્રસ્તુતિ)

૩ સપ્ટેમ્બર: શ્રી રાજભા ગઢવી

૪ સપ્ટેમ્બર: શ્રી સાંત્વની ત્રિવેદી

૫ સપ્ટેમ્બર: શ્રી ઉદય ધાંધલ

૬ સપ્ટેમ્બર: શ્રી સાગર કાચા તથા શ્રી દિવ્યેશ જેઠવાની જોડી

તા. ૨ સપ્ટેમ્બરના રોજ લોકમેળાના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ માટેના મુખ્ય અતિથિશ્રીના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોના અધ્યક્ષો સાથે સમીક્ષા બેઠક યોજીને મેળો સંપૂર્ણ સલામત, સુચારુ અને યાદગાર બને તે પ્રકારનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!