સુરતની જેમ અમદાવાદમાં પણ પાલિકાના નામે ‘ભૂતિયા ડિમોલિશન’! 12ની અટકાયત

સુરતની ઘટના બાદ હવે અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ‘ભૂતિયા ડિમોલિશન’ની ઘટના સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હોવાનો સ્વાંગ રચીને આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ ગેરકાયદે દબાણ હટાવવાના બહાને 3 દુકાનો તોડી પાડી હતી. આ ઘટનાને પગલે AMCના એસ્ટેટ વિભાગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને કોર્પોરેશન દ્વારા આવું કોઈ જ ડિમોલિશન કરાયું ન હોવાની સત્તાવાર સ્પષ્ટતા કરી છે.
ઘટના અંગે માહિતી આપતાં એએમસી એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “માહિતી મળતાં જ અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી. આ એક ખાનગી જગ્યા છે, કારણ કે અહીંથી કોર્પોરેશનની હદ પૂરી થાય છે અને જીઆઇડીસીની હદ શરૂ થાય છે. તેથી અમારા તંત્ર દ્વારા ડિમોલિશનની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. રોડની કામગીરીમાં જે 3 દુકાનો આવતી હતી, તેમને અગાઉ ડિમાર્કેશન આપવામાં આવ્યું હતું અને દુકાનદારોએ પોતે જ સ્વેચ્છાએ તે દૂર કરી લીધી હતી.”
અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, દુકાનમાલિકોને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે. દુકાનમાલિકોએ તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી, જેના આધારે સ્થળ પર ઘુસી આવેલા પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના 10થી 12 માણસોની અટકાયત કરવામાં આવી છે અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે ગેરકાયદે તોડફોડ કરવા પાછળ રાજપૂત સિક્યુરિટી એજન્સીના માણસોનો હાથ હોવાનું સામે આવી રહ્યું છે. એસ્ટેટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કોર્પોરેશનની છબી ખરડવા અને ખોટું નામ વટાવીને પ્રાઇવેટ જગ્યામાં તોડફોડ કરનારાઓ વિરુદ્ધ પોલીસ સાથે મળીને કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.




