GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર ખાતે ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને સ્વ-સહાય જૂથો માટે લોન ધિરાણ અને કાજુ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

સંતરામપુર ખાતે ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને સ્વ-સહાય જૂથો માટે લોન ધિરાણ અને કાજુ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો
***

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…

 

સંતરામપુર તાલુકા મથક ખાતે વિકાસલક્ષી અભિગમ સાથે મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતરામપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વ-સહાય જૂથોની બહેનોને આર્થિક સહાયના ચેકો અને કાજુના રોપાનું વિતરણ કરીને તેઓને આત્મનિર્ભરતા તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે બહેનોને પ્રોત્સાહિત કરતા કાજુની ખેતી અને કેશ ક્રેડિટ લોન દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવા અંગે ઝીણવટપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કુલ ૨૪.૫૦ લાખ રૂપિયાના કેશ ક્રેડિટ લોન ધિરાણના ચેકોનું પ્રત્યક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી કુલ ૭૫.૭૦ લાખ રૂપિયાની લોન shg જૂથોના બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર દ્વારા બહેનોને સંબોધન કરતા કાજુના રોપાના વાવેતર અને તેની માવજત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ કેશ ક્રેડિટ લોન ધિરાણનો યોગ્ય સદુપયોગ કરી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા સ્વ-નિર્ભર બને તે સમયની માંગ છે. આર્થિક રીતે પગભર થવા માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમણે બહેનોને વિશેષ સૂચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રજનીતાબેન એન. તાવિયાડ, ઉપપ્રમુખશ્રી રવિરાજભાઈ, પૂર્વ પ્રમુખશ્રી હરીશભાઈ વલવાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી ઈશ્વરભાઈ કલાસવા, ન્યાય સમિતિના ચેરમેનશ્રી કિશોરભાઈ, તેમજ સચિનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા લાઈવલી હુડ મેનેજરશ્રી પરેશભાઈ પટેલ, આસી. પ્રોજેક્ટ મેનેજરશ્રી હરિશ્ચંદ્ર હજૂરી, તાલુકા લાઈવલી હુડ મેનેજરશ્રી એ. આર. સેલોત તથા એન.આર.એલ.એમ. સ્ટાફ અને મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથની બહેનો હાજર રહી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે કાજુના રોપાનું વિતરણ કરવામાં આવ્યો હતો અને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

Back to top button
error: Content is protected !!