GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી–વલસાડના વાલીઓની ફરિયાદો બાદ શાળાઓમાં મધ્યાહન ભોજનની તપાસની માંગ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડો. નિરવભાઈ પટેલે બંને જિલ્લા કલેક્ટરો પાસે સત્તાવાર મંજૂરી માગી; સ્થળ પર તપાસ કરી સંકલિત અહેવાલ તૈયાર કરવાની રજૂઆત

નવસારી અને વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને મળતા મધ્યાહન ભોજન સહિતની મૂળભૂત સુવિધાઓ અંગે વાલીઓ તરફથી મળતી ફરિયાદોને પગલે ડો. નિરવ ભુલાભાઈ પટેલે બંને જિલ્લાના જિલ્લા કલેક્ટરો સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે શાળાઓની સ્થળ મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિની તપાસ કરવા માટે સત્તાવાર મંજૂરી આપવાની માંગ કરી છે.

છેલ્લા કેટલાક સમયથી નવસારી જિલ્લાના ખેરગામ, ચીખલી, વાંસદા અને ગણદેવી તાલુકા તેમજ વલસાડ જિલ્લાના ધરમપુર, વલસાડ, નાનાપોંઢા, કપરાડા, પારડી અને ઉમરગામ સહિતના વિસ્તારોની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન એટલે કે PM POSHAN યોજના, ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા, પીવાના પાણી, શૌચાલય, રસોડાની વ્યવસ્થા તથા અન્ય પાયાની સુવિધાઓ અંગે વાલીઓ દ્વારા ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી રહી હોવાનું ડો. પટેલે જણાવ્યું છે.

સરકાર દ્વારા શાળાના બાળકોને પોષણક્ષમ ભોજન સાથે યોગ્ય શૈક્ષણિક વાતાવરણ અને જરૂરી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે. ત્યારે આ યોજનાઓ અને સુવિધાઓનો લાભ વિદ્યાર્થીઓને વાસ્તવમાં યોગ્ય રીતે મળી રહ્યો છે કે કેમ તે જાણવા સ્થળ પરની હકીકત ચકાસવી જરૂરી હોવાનું તેમણે રજૂઆતમાં જણાવ્યું છે.

સ્થળ પર આ બાબતોની તપાસ કરવાની માંગ

ડો. નિરવ પટેલે શાળાઓની મુલાકાત દરમિયાન મધ્યાહન ભોજનની ગુણવત્તા અને નિયમિતતા, ભોજન બનાવવાની જગ્યાની સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા તેમજ ભોજન સંબંધિત અન્ય વ્યવસ્થાઓની સ્થિતિ નિહાળવાની વાત કરી છે. આ ઉપરાંત શાળાઓમાં પીવાનું પાણી, શૌચાલય, વર્ગખંડ, વીજળી, રસોડું અને અન્ય જરૂરી મૂળભૂત સુવિધાઓની સ્થિતિ પણ નોંધવામાં આવશે.

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ભોજન વ્યવસ્થા અંગેની માહિતી મેળવવા ઉપરાંત શાળાની વાસ્તવિક જરૂરિયાતો અંગે શાળા વ્યવસ્થાપન પાસેથી પણ વિગતો મેળવવામાં આવશે. કોઈ ખામી કે સુવિધાની અછત જણાય તો તેની વિગતો સંકલિત કરીને સંબંધિત સરકારી વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવશે.

આક્ષેપ નહીં, વિદ્યાર્થીઓના હિતમાં કામગીરી : ડો. નિરવ પટેલ

ડો. નિરવ ભુલાભાઈ પટેલે સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર કામગીરીનો હેતુ કોઈ વ્યક્તિ, શિક્ષક કે અધિકારી સામે આક્ષેપ કરવાનો નથી. પરંતુ સરકારની યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ સુધી યોગ્ય રીતે પહોંચે અને બાળકોને જરૂરી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

વાલીઓની ફરિયાદોની વાસ્તવિકતા જાણવા, શાળાઓની જરૂરિયાતો ઓળખવા અને જ્યાં જરૂરી હોય ત્યાં સંબંધિત તંત્રનું ધ્યાન દોરવા માટે સ્થળ નિરીક્ષણ બાદ સંકલિત અહેવાલ તૈયાર કરવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી છે.

હવે બંને જિલ્લા કલેક્ટરો દ્વારા આ રજૂઆત અંગે શું નિર્ણય લેવામાં આવે છે અને શાળાઓની મુલાકાત માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવે છે કે કેમ તેના પર વાલીઓ અને શિક્ષણ ક્ષેત્રની નજર મંડાઈ છે.

Back to top button
error: Content is protected !!