નવસારી: મોંઘવારીથી જનતા ત્રસ્ત, સરકાર મસ્ત! નવસારી મહિલા કોંગ્રેસનો કલેક્ટરને ઉગ્ર રજૂઆત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સામે આકરા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. મહિલા કોંગ્રેસ પ્રમુખ સમીરા ફારૂક શેખ સહિત આગેવાનો દ્વારા મોંઘવારીને કારણે સામાન્ય અને ગરીબ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઈથેનોલ ઉત્પાદન સંબંધિત નિર્ણયોના કારણે બજારમાં શેરડીનો મોટા પ્રમાણમાં ઉપયોગ ઈથેનોલ માટે થઈ રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. તેના પરિણામે ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટતાં પુરવઠા પર અસર પડી છે અને સ્થાનિક બજારમાં ખાંડ તથા ગોળના ભાવમાં કમરતોડ વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મહિલા કોંગ્રેસે જણાવ્યું કે વધતી મોંઘવારીનો સૌથી મોટો માર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર પડી રહ્યો છે. શિક્ષણ મોંઘું બન્યું છે, ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે અને દૂધ, શાકભાજી, પેટ્રોલ-ડીઝલ સહિત જીવનજરૂરિયાતની અનેક વસ્તુઓના ભાવ વધતાં સામાન્ય નાગરિક માટે જીવન નિર્વાહ મુશ્કેલ બની રહ્યો છે.
આવેદનમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે પેટ્રોલ, ડીઝલ, દૂધ, શાકભાજી અને જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે, જ્યારે લોકોની આવકમાં તે પ્રમાણમાં વધારો થયો નથી. બીજી તરફ ડોલર સામે રૂપિયો સતત નબળો પડતો હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.
મહિલા કોંગ્રેસે કેન્દ્ર સરકારને જનતાની મુશ્કેલીઓ પ્રત્યે જવાબદાર ઠેરવી મોંઘવારી પર તાત્કાલિક અંકુશ લાવવા અને સામાન્ય લોકોને રાહત મળે તેવા અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.
“મોંઘવારીથી પીડાતી જનતાને રાહત આપો, નહીંતર સરકાર સામે જનઆંદોલન વધુ ઉગ્ર બનાવાશે” — તેવો સ્પષ્ટ સંદેશ આવેદનપત્ર મારફતે આપવામાં આવ્યો છે.
નવસારી મહિલા કોંગ્રેસની આ રજૂઆતથી મોંઘવારીનો મુદ્દો ફરી એકવાર સ્થાનિક રાજકારણમાં ગરમાયો છે.


