Rajkot: મગફળીના ઊભા પાકમાં સફેદ ફૂગ, ડોડવાનો સડો અને ટપકાના રોગ સામે રક્ષણ મેળવવા ખેડૂતો માટે માર્ગદર્શિકા

તા.૨૭/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગે પગલાં સૂચવાયા છે. જે મુજબ, મગફળીમાં થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ) અને સફેદ ફૂગના નિયંત્રણ માટે ઊભા પાકમાં રોગિષ્ટ છોડ દેખાય તો તરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ફૂગ ઢંકાઇ જાય તે રીતે નાંખવી અને પગથી જમીન દબાવી દેવી. ટ્રાયકોડર્મા હારજીયાનમ આધારિત ૨.૫ કિલો પાવડરને ૨.૫ કિલો રેતીમાં ભેળવી વાવેતરના એક માસ બાદ થડ પાસે આપી, પિયત આપવું જરૂરી છે.
સફેદ ફૂગના નિયંત્રણ માટે મગફળીના વાવેતર બાદ સમાર મારવો અને પાળા ચડાવવા નહીં. વધારે પડતી આંતરખેડ ન કરવી. ટપકાના રોગથી પાન ખરી પડે તો સફેદ ફૂગને ખોરાક મળે છે અને આ રોગ વધે છે. ટપકાને કારણે પાક પાકતા પહેલા પાન ખરી ન પડે તે માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવો જોઈએ.
ઊભા પાકમાં મૂળનો સડો થતો અટકાવવા માટે જરૂર જણાયે પૂરતા પ્રમાણમાં પાણી આપવું તેમજ કાપણી સમયે ડોડવાઓને ઇજા ન થાય તેનું ધ્યાન રાખવું.
મગફળીમાં સુકારો મુખ્યત્વે પાકના ૫૦ થી ૬૦ દિવસ બાદ વધુ પડતા તાપમાને ઓછા પડતા ભેજની અવસ્થાએ જોવા મળતો હોઈ ઊભા પાકમાં આંતરખેડ અને નિંદામણ કરતી વખતે તેમજ મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઇજા ન થાય તેની સાવચેતી રાખવી.
થડનો કોહવારોના નિયંત્રણ માટે ફૂલ આવવાના સમયે, શીંગો બંધાવવાના સમયે કે દાણાના બંધારણ સમયે જમીનમાં ભેજની ઊણપ હોય તો પિયત આપવું. ઓછામાં ઓછી આંતર ખેડ કરવી તેમજ પાળા ચઢાવવા નહીં.
થડનો કોહવારો અને ડોડવાનો સડો (સ્ટેમ રોટ)ના નિયંત્રણ માટે જો ટ્રાયકોડર્મા કલ્ચર વાવણી સમયે ચાસમાં આપી શકાયેલ ન હોય તો વાવણી બાદ ૩૦ દિવસે પંપમાં ૫૦ ગ્રામ પ્રમાણે (પંપમાં નોઝલ કાઢી) છોડના મૂળની આસપાસ છંટકાવ કરી શકાય.
ટીક્કા માટે લીમડાના તાજા પાનનો અર્ક બનાવી તેમાંથી ૧ ટકાનું દ્રાવણ બનાવીને ૩૦, ૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી ટીક્કા રોગનું અસરકારક નિયંત્રણ થાય છે. ટેબુકોનોઝોલ (ફોલીક્યુર ૨૫ ટકા) ૦.૦૩૫ ટકા દવાના ત્રણ છંટકાવ ૩૫, ૫૦ અને ૭૦ દિવસે કરવાથી રોગનું નિયંત્રણ થાય છે.
પાનના ટપકાના રોગ તેમજ ગેરૂ રોગના નિયંત્રણ માટે મગફળીનો પાક ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે કાર્બેન્ડાઝીમ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી), મેન્કોઝેબ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી), ક્લોરોથેલોનીલ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી), હેક્ઝાકોનાઝોલ (૫ મિલી/૧૦ લી. પાણી)? ડાયફેનોકોનાઝોલ (૫ મિલી/૧૦ લી. પાણી), ટેબ્યુકોનાઝોલ (૫ ગ્રામ/૧૦ લી. પાણી), મેટીરામ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી), પ્રોપીકોનાઝોલ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી), પાયરાક્લોસ્ટ્રોબીન (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા કાર્બેન્ડાઝીમ ૧૨ ટકા + મેન્કોઝેબ ૬૩ ટકા(૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) ફૂગનાશક દવાનો ૨ થી ૩ છંટકાવ ૧૨થી ૧૫ દિવસનાં અંતરે કરવા. શક્ય હોય તો દરેક છંટકાવ સમયે એકની એક ફૂગનાશક ન વાપરતા દવાની ફેરબદલી કરવી.
મગફળીમાં અગ્રકલિકાનો સુકારો રોગ થ્રીપ્સ મારફતે ફેલાતો હોવાથી શોષક પ્રકારની કીટનાશક દવાઓનો જરૂર મુજબ છંટકાવ કરવો.
મૂળના ગંઠવા કૃમિના નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન ૩સીજી (એનકેપ્સ્યુલેટેડ ગ્રેન્યુઅલ) દવા ૩૩ કીગ્રા હેક્ટર દીઠ આપવી.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી સંબંધિત ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી,ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક,જિલ્લા ખેતીવાડી અધિકારી,નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(માહિતી સોર્સ: મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જમીનજન્ય રોગ-જીવાતોનું સંકલિત નિયંત્રણ માહિતી પુસ્તિકા અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી)


