વાંસદા-ખેરગામ પોલીસનો સપાટો: રૂ.87 લાખનો દારૂનો જથ્થો રોલર ફેરવી નાશ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંસદા-ખેરગામ પોલીસની મોટી કાર્યવાહી: પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં ઝડપાયેલો લાખો રૂપિયાનો ઈંગ્લિશ દારૂનો જથ્થો પોલીસની હાજરીમાં નાશ કરાયો
વાંસદા: વાંસદા અને ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓમાં ઝડપાયેલો અંદાજિત રૂ.87 લાખની કિંમતનો ઈંગ્લિશ દારૂનો જથ્થો આજે પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. ચરણવાડા ગામના ડી.પી. ફળિયા ખાતે રોલર ફેરવી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી ભાર્ગવ માહલા, DYSP હરેશ ચાંદુ, PI જયદીપસિંહ ચાવડા સહિત વાંસદા અને ખેરગામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ નશાબંધી આબકારી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, વાંસદા પોલીસ સ્ટેશનના 116 પ્રોહિબિશનના ગુનાઓમાં ઝડપાયેલી 5,569 બોટલો, જેની અંદાજિત કિંમત રૂ.13.68 લાખ હતી, જ્યારે ખેરગામ પોલીસ સ્ટેશનના 87 ગુનાઓમાં ઝડપાયેલી 27,500 બોટલો, જેની કિંમત આશરે રૂ.73 લાખ હતી.
આમ, બંને પોલીસ સ્ટેશનના કુલ 203 ગુનાઓમાં ઝડપાયેલી 33,069 જેટલી દારૂની બોટલો, અંદાજિત રૂ.87 લાખની કિંમતનો મુદ્દામાલ, સ્થળ પર રોલર ફેરવી સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો.
દારૂના મોટા જથ્થાના નાશ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓનો કાફલો સ્થળ પર તૈનાત રહ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી પ્રોહિબિશનના ગુનાઓમાં ઝડપાયેલા મુદ્દામાલનો કાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.


