બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને નેત્રંગ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન માંડવી રોડ પરથી નંબર પ્લેટ વગરની કાળા રંગની ફોરવ્હીલર શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વાહનચાલકે વાહન ઉભું ન રાખી નાસી જવાનો પ્રયાસ કરતાં પોલીસ સ્ટાફે વાહનને કોર્ડન કરી ઝડપી પાડ્યું હતું.
આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ, વડોદરા રેન્જ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ભરૂચ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા, ઝઘડિયા વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ.વણઝારાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ઝડપાયેલા વાહનચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ દિસેશ ઉર્ફે દિપુ અશોક પટેલ, ઉંમર 35 વર્ષ, રહે. અંકલેશ્વર GIDC, તા. અંકલેશ્વર, જી. ભરૂચ હોવાનું જણાવ્યું હતું.
શંકાસ્પદ વ્યક્તિ અને વાહનને પોલીસ સ્ટેશન ખાતે લાવી સરકાર માન્ય ઈ-ગુજકોપ એપ્લિકેશનમાં તેના ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના NDPSના ગુનામાં વોન્ટેડ હોવાનું તેમજ તેની સામે અન્ય પોલીસ સ્ટેશનોમાં NDPS તથા જુગાર સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું.
પકડાયેલ આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે રોકડ રકમ – ₹47,420/-, મોબાઇલ ફોન – 2, કિંમત ₹60,000/-, ફોરવ્હીલર ગાડી – 1, કિંમત ₹6,00,000/-, ગોગો પેપર – 3 નંગ, ચીલમ – 1 નંગ, ક્રોસ મિન્ટ ફ્લેવર બિસ્ટોલનું પેકેટ – 3 બિસ્ટોલ, RTO માન્ય નંબર પ્લેટ – GJ-05-JP-2020, 2 નંગ મળી કુલ રૂપિયા ₹7,07,420/- નો મુદામાલ ઝડપી પાડ્યો.
નેત્રંગ પોલીસની આ કામગીરીથી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે પોલીસની સતર્કતા વધુ એકવાર સ્પષ્ટ થઈ છે.



