ARAVALLIGUJARATMODASA

અરવલ્લી – શ્રાવણી પૂનમે દેવરાજ ધામ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો : ૧૪૫થી વધુ દર્દીઓએ લીધો લાભ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – શ્રાવણી પૂનમે દેવરાજ ધામ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો : ૧૪૫થી વધુ દર્દીઓએ લીધો લાભ

શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધન અને જનોઈ બદલવાના પવિત્ર પર્વ નિમિત્તે પૂજ્ય સંત શ્રી ધનગીરી બાપુના સાનિધ્યમાં દેવરાજ ધામ ખાતે નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કેમ્પમાં ડૉક્ટર મનન દેવકર (MBBS) તથા તેમની મેડિકલ ટીમ દ્વારા ૧૪૫થી વધુ ગ્રામજનો અને ભાવિક ભક્તોની આરોગ્ય તપાસ કરી તેમને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન તાવ, શરદી, ઉધરસ, શરીરનો દુખાવો, માથું દુખવું તેમજ ગભરામણ જેવી સામાન્ય પણ તકલીફદાયક બીમારીઓ માટે દર્દીઓને નિઃશુલ્ક નિદાન, દવાઓ અને જરૂરિયાત મુજબ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. રક્ષાબંધન જેવા તહેવારના દિવસે આરોગ્ય સેવા મળતાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓએ મોટી રાહત અનુભવી હતી.

શ્રાવણી પૂનમ હોવાથી દેવાયત પંડિતના પવિત્ર ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. પૂનમનું મહત્વ જાળવીને અહીં આવેલા તમામ ભાવિકોએ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે પૂજ્ય ધનગીરી બાપુએ ભજનોની રમઝટ બોલાવી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. સમાજસેવાની ભાવના વ્યક્ત કરતા બાપુએ જણાવ્યું હતું કે, “સમાજ સેવા એ જ પ્રભુ સેવા છે અને આવા આરોગ્યલક્ષી કેમ્પ વારંવાર યોજાય તે જ લોકહિતમાં છે.”આ સમગ્ર કાર્યક્રમથી દર્શન કરવા આવેલા ભાવિક ભક્તો અને સ્થાનિક લોકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!