GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં ઘરઘાટી નોકર, ડ્રાઇવર, કારીગરો અને શ્રમિકોની ફરજિયાત નોંધણી અંગે જાહેરનામું

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ઘરઘાટી નોકર, ડ્રાઇવર, કારીગરો અને શ્રમિકોની માહિતી સીટીઝન પોર્ટલ/સિટીઝન ફર્સ્ટ એપ પર નોંધાવવી ફરજિયાત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જિલ્લામાં ભૂતકાળમાં બનેલા લૂંટ, ધાડ, હત્યા તથા અપહરણ જેવા ગુનાઓના બનાવોને ધ્યાનમાં લેતા રહેણાંક વિસ્તારોના મકાનો/બંગલાઓ, કારખાનાઓ, મકાન બાંધકામ, ટેક્ષટાઇલ તથા હીરા ઉદ્યોગો, ફેકટરીઓ, ઓફિસો, દુકાનો, હોટલો અને અન્ય ખાનગી ક્ષેત્રોમાં કામ કરતા ઘરઘાટી નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી, કારીગરો, મજૂરો તથા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ઓળખ અને નોંધણી અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

      નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે. એન. લિખિયા દ્વારા મળેલી સત્તાની રૂએ જાહેરનામા મુજબ નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં મકાન/બંગલા માલિકો, કારખાનેદારો, બિલ્ડરો, ટેક્ષટાઇલ તથા હીરા ઉદ્યોગો, ઓફિસો, દુકાનો, હોટલો, ખાનગી એકમો, ઈંટના ભઠ્ઠા, અન્ય ઉદ્યોગો તેમજ પરપ્રાંતિય કોન્ટ્રાક્ટરો દ્વારા કામે રાખવામાં આવેલા કર્મચારીઓ, કારીગરો અને મજૂરોની સંપૂર્ણ માહિતીની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

      હાલમાં કામ કરતા તેમજ ભવિષ્યમાં કામે રાખવામાં આવનાર કાયમી, હંગામી, રોજિંદા કે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી, કારીગર, મજૂર, ઘરઘાટી નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન અને માળી સહિતના તમામ વ્યક્તિઓની જરૂરી માહિતી સીટીઝન પોર્ટલની વેબસાઇટ www.gujhome.gujarat.gov.in અથવા Citizen First Android Application મારફતે ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. નોંધણી કરાવેલી માહિતી પોતાની પાસે રાખવાની તેમજ જરૂરી જણાય ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાની રહેશે.

આ ઉપરાંત, કામે રાખવામાં આવનાર તમામ કર્મચારી, કારીગર, મજૂર તથા નોકરની નાગરિકતા/ઓળખની ફરજિયાત ચકાસણી કરી તેની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે.

       જાહેરનામામાં મુજબ કેટલાક કિસ્સાઓમાં બહારના સ્થળોએ ગંભીર ગુનાઓ આચરીને આરોપીઓ અન્ય શહેરો કે જિલ્લાઓમાં આશરો લેતા હોવાની શક્યતા રહે છે. આવા વ્યક્તિઓની ઓળખ અને રહેઠાણ અંગેની પૂરતી માહિતી ઉપલબ્ધ ન હોય તો પોલીસ તંત્રને તપાસ દરમિયાન મુશ્કેલી પડી શકે છે. તેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તથા સલામતી જળવાઈ રહે તે હેતુથી આ નોંધણી અને ચકાસણીની કાર્યવાહી ફરજિયાત કરવામાં આવી છે.

       આ જાહેરનામાનો અમલ નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૦-૦૮-૨૦૨૬ થી તા. ૨૮-૧૦-૨૦૨૬ સુધી, બંને દિવસો સહિત રહેશે.

જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!