
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંસદા સરપંચના ઘર નજીક જ ગટરના જર્જરિત ઢાંકણાએ આપ્યો જવાબ! સ્થાનિકોએ ભારે જહેમતે ગાયને સહીસલામત બહાર કાઢી
વાંસદાના પાટા ફળિયા વિસ્તારમાં ગ્રામ પંચાયતની કથિત બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વાંસદાના સરપંચ ગુલાબભાઈ પટેલના ઘર નજીક જ ગટર પરનું જર્જરિત ઢાંકણું તૂટી પડતાં એક ગાય ઊંડા ગટરખાડામાં ખાબકી હતી. ગાયના ભાંભરવાના અવાજથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આહીર સમાજના યુવાનો તથા સ્થાનિક રહીશોએ ભારે જહેમત ઉઠાવી ગાયને સહીસલામત બહાર કાઢી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, પાટા ફળિયામાં ગટર પરથી પસાર થતી ગાયના વજનથી જૂનું અને જર્જરિત ઢાંકણું તૂટી ગયું હતું. પરિણામે ગાય ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને સામૂહિક પ્રયાસોથી ગાયનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાએ ગ્રામ પંચાયતની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ વિસ્તારમાં અનેક સ્થળોએ ગટરો ખુલ્લી છે, જ્યારે કેટલાક સ્થળે લગાવેલા ઢાંકણાં પણ અત્યંત જૂનાં અને જર્જરિત હાલતમાં છે.
વધુ ગંભીર બાબત એ છે કે સરપંચના ઘર નજીક જ જો ગટરની આવી સ્થિતિ હોય તો ગામના અંતરિયાળ વિસ્તારોમાં શું હાલત હશે? તેવો સવાલ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યો છે.વાંસદા શહેરમા તાલુકા કક્ષાની તમામ મહત્વની સરકારી કચેરીઓનું કેન્દ્ર હોવાથી રોજિંદા હજારો લોકો સરકારી કામકાજ માટે શહેરમાં અવરજવર કરે છે. ધરમ રાઇસ મિલથી તાલુકા પંચાયત તરફ જતા મુખ્ય માર્ગ પર પણ અનેક સ્થળોએ ખુલ્લી તથા જોખમી ગટરો જોવા મળી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ માર્ગ પર રાહદારીઓ, વાહનચાલકો ઉપરાંત બાળકો અને વૃદ્ધોની પણ અવરજવર રહે છે. ત્યારે ગટર પર ઢાંકણું ન હોવું અથવા જર્જરિત ઢાંકણાં યથાવત રાખવા એ ગંભીર બેદરકારી સમાન હોવાનું લોકો જણાવી રહ્યા છે. ગ્રામજનોમાં હવે સીધો સવાલ ઉઠી રહ્યો છે કે જો આવી જ બેદરકારીના કારણે કોઈ બાળક, વૃદ્ધ કે રાહદારી ગટરમાં ખાબકે અને જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે?
લોકોમાં ચર્ચા છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું? પશુ સાથે બનેલી આ ઘટના ચેતવણી સમાન છે. આજે ગાયનો જીવ બચી ગયો છે, પરંતુ આવતીકાલે કોઈ માનવી આ ખાડાનો ભોગ બને તે પહેલાં તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે. વાંસદા ગ્રામ પંચાયત વિસ્તારમાં તમામ ગટરોનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે, જર્જરિત ઢાંકણાં બદલીને મજબૂત ઢાંકણાં મૂકવામાં આવે અને ખુલ્લી ગટરોને તાત્કાલિક બંધ કરવામાં આવે.તેવી લોકોની માંગ ઉઠી છે.
લોકોની માંગ છે કે માત્ર કાગળ પર કાર્યવાહી કરવાને બદલે સ્થળ પર જઈ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે, જેથી ‘દુર્ઘટના પછીની દોડધામ’ નહીં પરંતુ ‘દુર્ઘટના પહેલાંની તકેદારી’ સાબિત થાય.


